ગણેશોત્સવમાં દર્શન કરવા ગયેલા બે પરિવારોના ઘરે તસ્કરો ત્રાટક્યા

01 September, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ઘરમાંથી ૨૦ લાખ રૂપિયા કરતાં વધારેની માલમતા ચોરો તફડાવી ગયા

સીવુડમાં રહેતાં રંજના ભુજબળના ઘરની હાલત ચોરોએ અસ્તવ્યસ્ત કરી નાખી હતી.

ગણેશોત્સવ દરમ્યાન સંબંધીના ઘરે દર્શન કરવા ગયેલા સીવુડ અને માહિમમાં રહેતા બે પરિવારના ઘરમાંથી ચોરો આશરે ૨૦ લાખ રૂપિયાની માલમતા તફડાવી ગયા હોવાની બે ફરિયાદ નવી મુંબઈના NRI અને માહિમ પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે સાંજે નોંધાઈ હતી. માહિમમાં શીતળાદેવી મંદિર નજીક ક્ષત્રિય બિલ્ડિંગમાં રહેતા ૩૩ વર્ષના શ્રમિક રાજપુરકરના ઘરમાંથી ગુરુવારે આશરે ૧૨ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ ગઈ હતી, જ્યારે નવી મુંબઈના સીવુડમાં ગણેશ મેદાન નજીક આવેલી જય ભોલેનાથ સોસાયટીમાં રહેતાં ૪૯ વર્ષનાં રંજના ભુજબળના ઘરમાંથી શુક્રવારે બપોરે સાડાઆઠ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હતી. બન્ને કેસમાં પોલીસે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજના આધારે વધારે તપાસ શરૂ કરી છે.

રંજના ભુજબળે ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે હું મારા પરિવારના સભ્યો સાથે અમારા એક સંબંધીના ઘરે ગણપતિબાપ્પા પધાર્યા હોવાથી ત્યાં દર્શન કરવા ગઈ હતી. ત્યાંથી બપોરે બે વાગ્યાની આસપાસ ઘરે પાછી ફરી ત્યારે ઘરના મેઇન દરવાજાનું લૉક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. અંદર જઈને તપાસ કરતાં તમામ સામાન અસ્તવ્યસ્ત હોવાની સાથે મારા પુત્રના બેડરૂમમાં રહેલું કબાટ પણ તૂટેલું હતું. વધુ તપાસ કરતાં મારા દીકરાના કબાટની અંદર તિજોરીમાં રાખેલા આશરે ૯ તોલાના સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયાની રોકડ એમ આશરે સાડાઆઠ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ખાતરી થતાં અંતે આ ઘટનાની ફરિયાદ NRI પોલીસમાં નોંધાવી હતી.’

માહિમ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માહિમમાં શીતળાદેવી મંદિર નજીક ક્ષત્રિય બિલ્ડિંગમાં રહેતો શ્રમિક રાજપુરકર તેના પરિવાર સાથે બુધવારે સાંજે વિક્રોલીમાં રહેતા એક સંબંધીના ઘરે ગણેશોત્સવ નિમિત્તે ગયો હતો. દરમ્યાન રાતે પણ તેનો પરિવાર ત્યાં જ રોકાઈ ગયો હતો. તેઓ ગુરુવારે સાંજે ઘરે પાછા ફર્યા ઘરનો મેઇન દરવાજો તૂટેલી હાલતમાં દેખાયો હતો. અંદર જઈને તપાસ કરી ત્યારે સેફ્ટી ડ્રૉઅરમાં રહેલા આશરે સાડાઅગિયાર લાખ રૂપિયાના દાગીના અને ૬૦,૦૦૦ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાની ખાતરી થઈ હતી. અંતે આ ઘટનાની જાણ અમને કરતાં અમે આ કેસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’

mumbai news mumbai mahim Crime News mumbai crime news mumbai police