સ્કૂટર પર ઘરે જઈ રહેલા કચ્છી ભાનુશાલી દંપતીને દારૂડિયા બાઇકરે અડફેટે લીધું

21 October, 2025 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરની આ ઘટનામાં મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ

ઝાયનોવા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં રેખા ભાનુશાલી, આરોપી આફ્તાબ શેખની પોલીસે જપ્ત કરેલી બાઇક.

ઘાટકોપર-ઈસ્ટમાં ભાનુશાલી નગરમાં રહેતાં ૫૦ વર્ષનાં રેખાબહેન અને ૫૩ વર્ષના શાંતિલાલ ભાનુશાલીને દારૂ પીધા બાદ બાઇક પર બિઅર લેવા નીકળેલા યુવાને અડફેટે લેતાં બન્નેને ઈજા થઈ હતી. પંતનગર પોલીસે દારૂના નશામાં બાઇક ચલાવનાર આફતાબ શેખ સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી છે. રેખાબહેન અને શાંતિલાલભાઈ શનિવારે રાતે ઘાટકોપરના ઓડિયન મૉલમાં પિક્ચર જોઈને સ્કૂટર પર ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે સિક્સ્ટી ફીટ રોડ પર આફતાબે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી જેમાં રેખાબહેન સ્કૂટર પરથી પછડાતાં તેમના માથામાં ઇન્ટર્નલ બ્લીડિંગ થયું હતું. તેમને ઘાટકોપરની પ્રાઇવેટ હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઍડ્‍મિટ કરવામાં આવ્યાં છે.

શાંતિલાલ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે મોડી રાતે ત્રણ વાગ્યે ઓડિયન થિયેટરમાં પિક્ચર પૂરું થયા બાદ હું અને રેખા સ્કૂટર પર ઘરે આવી રહ્યાં હતાં. એ દરમ્યાન સિક્સ્ટી ફીટ રોડ પરથી પસાર થતી વખતે પાછળથી એક બાઇકે મારા સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી જેમાં સ્કૂટર પરથી મારું બૅલૅન્સ જતાં હું અને રેખા બન્ને જમીન પર પટકાયાં હતાં. એ વખતે મારા હાથમાં માર વાગ્યો હતો અને રેખાનું માથું જમીન પર પછડાતાં તે બેભાન થઈ ગઈ હતી. એ સમયે બાઇકચાલક તો ત્યાંથી નાસી ગયો હતો, પણ બાઇક પર પાછળ બેસેલા યુવકને મેં પકડી લીધો હતો. ત્યારે તે નશામાં હોવાનું જણાયું હતું. ત્યાર બાદ પોલીસ અને ત્યાં ભેગા થયેલા લોકોની મદદથી રેખાને પંચોલી હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરી હતી, પણ રેખાની હાલત ગંભીર જોતાં ડૉક્ટરોએ તેને ઝાયનોવા હૉસ્પિટલમાં શિફ્ટ કરવા કહ્યું. હાલમાં તે ઝાયનોવા હૉસ્પિટલના ICUમાં છે. ડૉક્ટરે કહ્યું છે કે તેના માથામાં ઇન્ટર્નલ બ્લીડિંગ થયું છે. એકબે દિવસમાં લેવલમાં નહીં આવે તો સર્જરી કરવી પડશે. દિવાળીના સમયમાં સારવાર પાછળ બે દિવસમાં અઢીથી ત્રણ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા છે.’

બાઇકની ટક્કર મારીને નાસી ગયેલો યુવક દારૂના નશામાં હતો એમ જણાવતાં શાંતિલાલ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાઇક પર પાછળ બેસેલા યુવકને મેં પકડી લીધો હતો. તેણે પણ ખૂબ દારૂ પીધો હતો. તેની પાસેથી બિઅરની ૪ બૉટલ મળી હતી. જે યુવકે મારી બાઇકને ટક્કર મારી હતી તેનું આલ્કોહોલ-લેવલ ઘણું વધારે હતું એવું પોલીસે મને કહ્યું હતું.’

પંતનગરના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે આફતાબ શેખ સામે ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી હતી. એ ઉપરાંત તેની બાઇક પણ જપ્ત કરી છે. આરોપી શનિવાર સાંજથી દારૂ પી રહ્યો હતો. રાતે દારૂની બૉટલ પૂરી થઈ જતાં તે બિઅર લેવા નીકળ્યો હતો. બિઅરની બૉટલો લઈને પાછા ફરતી વખતે તેણે ફરિયાદીના સ્કૂટરને ટક્કર મારી હતી.’

mumbai news mumbai road accident ghatkopar mumbai police gujaratis of mumbai gujarati community news kutchi community