26 October, 2025 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર ક્રાઇમ બ્રાન્ચની ઑફિસ નજીક વિરુદ્ધ દિશામાં મોટરસાઇકલ ચલાવીને એક યુવાને શુક્રવારે સાંજે ૬૦ વર્ષના સુનીલ મહેતાને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ઘાટકોપર પોલીસ ઍક્સિડન્ટ કરીને નાસી ગયેલા યુવક સામે ફરિયાદ નોંધીને ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે તેને શોધી રહી છે. આ ઘટનામાં ગંભીર રીતે જખમી થયેલા ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરમાં રહેતા સુનીલભાઈના પગની સર્જરી કરવામાં આવી છે અને તેમનો ઘાટકોપરની એક ખાનગી હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
અંધેરીની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા સુનીલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ઍક્ટિવા પર હું અંધેરીની ઑફિસ જવા નીકળ્યો હતો. સવાદસ વાગ્યાની આસપાસ LBS માર્ગ પર ક્રાઇમ બ્રાન્ચની ઑફિસ નજીકથી પસાર થઈને કુર્લા તરફ હું આગળ વધી રહ્યો હતો ત્યારે LBS માર્ગ પર જ વિરુદ્ધ દિશામાંથી આવતી એક મોટરસાઇકલે મને સામેની બાજુથી ટક્કર મારી હતી જેને કારણે હું રસ્તા પર પડ્યો હતો. સ્કૂટર અને મારું વજન જમણા પગ પર આવી જતાં થોડી વાર માટે હું બેભાન થઈ ગયો હતો. મારી આંખ ખૂલી ત્યારે લોકોને મારી આસપાસમાં ભેગા થયેલા જોયા હતા. જોકે મને ટક્કર મારનાર મોટરસાઇકલસવાર નાસી ગયો હતો. ત્યાર બાદ મેં મારા પુત્રને ફોન કરીને મદદ માટે બોલાવ્યો હતો અને મને ઇલાજ માટે સંજીવની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. મારા જમણા પગની સર્જરી ગઈ કાલે થઈ હતી. આ મામલે મેં ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’