કોઈ પણ ઍપ ડાઉનલોડ કર્યા વગર જ મોબાઇલ સ્ક્રીન શૅર થઈ ગઈ અને ૪ મિનિટમાં ૧૦ લાખ રૂપિયા ઊપડી ગયા

17 June, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરના ગુજરાતી CAને વિડિયો-કૉલ કરીને ગઠિયો છેતરી ગયો

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટના પંતનગર વિસ્તારમાં જાણીતી સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના ગુજરાતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA)ના મોબાઇલની સ્ક્રીન શૅર કરાવી સાઇબર ગઠિયાઓએ તેમનાં બૅન્ક-ખાતાંમાંથી બે ટ્રાન્ઝૅક્શનમાં ૧૦ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પંતનગર પોલીસે ગઈ કાલે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર ગઠિયાએ ફરિયાદીને વૉટ્સઍપ વિડિયો કૉલ કરીને ટેક્નિકલ પ્રક્રિયા સમજાવવાના બહાને મોબાઇલની સ્ક્રીન શૅર કરાવી લીધી હતી. ફરિયાદી યુવાનના મોબાઇલની સ્ક્રીન કઈ રીતે શૅર કરી લીધી એ વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, કારણ કે ફરિયાદીએ પોતાના મોબાઇલમાં અન્ય કોઈ ઍપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોવાથી સામાન્ય રીતે મોબાઇલની સ્ક્રીન શૅર થવી ખૂબ જ મુશ્કેલ છે.  

શું હતો ઘટનાક્રમ?
 

ઘાટકોપર-ઈસ્ટના પંતનગરની એક જાણીતી સોસાયટીમાં રહેતા ગુજરાતી CAની પત્નીને ૧૩ જૂનની બપોરે વૉટ્સઍપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. એમાં ધમકી આપવામાં આવી હતી કે જો મહાનગર ગૅસ લિમિટેડ (MGL)નું મીટર-રીડિંગ તાત્કાલિક અપલોડ નહીં કરવામાં આવે તો એ જ રાતે ૧૦.૨૫ વાગ્યે ગૅસ-કનેક્શન કાપી નાખવામાં આવશે.
 ગૅસ-કનેક્શન કપાઈ જવાની બીકે ગુજરાતી CAએ મેસેજમાં આપેલા નંબર પર વિક્રમ ઑબેરૉયનો સંપર્ક કર્યો અને તેમના કહેવા મુજબ ગૅસ-મીટરના રીડિંગનો ફોટો વૉટ્સઍપ પર મોકલી આપ્યો હતો.
 

ત્યાર બાદ સાઇબર ગઠિયાએ અન્ય એક વૉટ્સઍપ નંબર પરથી વિડિયો-કોલ કર્યો અને ગૅસ-કંપનીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સમજાવવાના બહાને ફરિયાદી પાસે તેમના જ ફોનની સ્ક્રીન શૅર કરાવી લીધી હતી. આ ટેક્નિકથી ગઠિયાને તેમના ફોનનો સંપૂર્ણ ઍક્સેસ મળી ગયો હતો.
 

ફરિયાદી જ્યારે ગૂગલ પર પ્રોસેસ કરી રહ્યા હતા ત્યારે સ્ક્રીન-શૅરિંગ ચાલુ હોવાથી તેમના ફોન પર આવેલા પાંચ-પાંચ લાખનાં બે ટ્રાન્ઝૅક્શનના OTP સાઇબર ગઠિયાઓ જોઈ ગયા હતા જેની મદદથી ફરિયાદીના ખાતામાંથી માત્ર ૪ મિનિટમાં ૧૦ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
 

બૅન્કમાંથી પૈસા કપાયાનો મેસેજ આવતાં જ ફરિયાદીએ તરત બૅન્કના કસ્ટમર કૅરનો સંપર્ક કરી ખાતાં બ્લૉક કરાવ્યાં હતાં અને ત્યાર બાદ તેમણે સાઇબર હેલ્પલાઇન 1930 પર ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ પંતનગર 

પોલીસ-સ્ટેશને રૂબરૂ જઈ ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલમાં વૉટ્સઍપ-ધારકો અને બૅન્ક-ખાતાની તપાસ ચલાવી રહી છે.

mumbai news mumbai Crime News mumbai crime news cyber crime ghatkopar gujaratis of mumbai mumbai police