12 May, 2025 06:57 AM IST | Mumbai | Rohit Parikh
ઘાટકોપરના કેમિકલના વેપારી કેતુલ ઝાટકિયા અને તેમનાં પત્ની કવિતા ઝાટકિયા.
સૈનિકો આપણી સુરક્ષા માટે જાનની બાજી લગાડી રહ્યા હોય અને સરહદ નજીકના લોકો ફફડાટમાં જીવી રહ્યા હોય ત્યારે આપણે મોજશોખ કેવી રીતે કરી શકીએ એવી લાગણી સાથે આઠેક લાખ રૂપિયાની નુકસાની કરીને ૧૪ દિવસની ફૉરેન-ટૂર પર જવાનું માંડી વાળ્યું : એટલું જ નહીં, વિદેશના પ્રવાસમાં થનારા પરચૂરણ ખર્ચના ૧,૦૧,૦૦૧ રૂપિયા યુદ્ધમાં શહીદ થયેલા જવાન મુરલી નાઈકના ઘાટકોપરમા રહેતાં માતા-પિતાને અર્પણ કરવાનો નિર્ણય લીધો
ઘાટકોપરના રહેવાસી અને કેમિકલના વેપારી કેતુલ ઝાટકિયા અને તેમની પત્ની કવિતાએ ‘નેશન ફર્સ્ટ, મોજશોખ લાસ્ટ’ના ઉદ્દેશ સાથે આર્થિક નુકસાન વેઠીને તેમની સ્પેન અને પોર્ટુગલની તેમના મિત્રો સાથેની ૧૪ દિવસની ટૂર કૅન્સલ કરી હતી. આ નિર્ણયથી તેના મિત્રો નારાજ થયા હતા, પણ ઝાટકિયા દંપતી તેમના નિર્ણય પર અડગ રહ્યું હતું. આ દંપતીએ તેમની ટૂરમાં પરચૂરણ ખર્ચના ન વાપરવામાં આવેલા ૧,૦૧,૦૦૧ રૂપિયા ઘાટકોપરના કામરાજનગરના શહીદ મુરલી નાઈકના પરિવારને આપવાનો નિર્ણય લીધો છે.
પંચાવન વર્ષના કેતુલ ઝાટકિયાએ તેમના ત્રણ કપલ ફ્રેન્ડ્સ સાથે ૧૫ એપ્રિલની આસપાસ હોટેલ-બુકિંગ અને સાઇટ-સીઇંગ સાથેની સ્પેનની ફ્લાઇટનું બુકિંગ કર્યું હતું, જેના પૂરા પૈસા તેમણે ઍડ્વાન્સમાં ચૂકવી દીધા હતા. જોકે ઑપરેશન સિંદૂરની શરૂઆત સાથે જ તેમણે અને તેમનાં પત્નીએ દેશહિતને લક્ષમાં રાખીને તેમની ટૂર કૅન્સલ કરી હતી. ટૂરના પૈસા પહેલાં જ ચૂકવી દીધા હોવાથી તેમણે અંદાજે સાતથી આઠ લાખ રૂપિયાની નુકસાની કરી હતી.
આ બાબતની માહિતી આપતાં કેતુલ ઝાટકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી આઠ મેની મુંબઈથી સ્પેન જવાની ફલાઇટની ટિકિટ હતી. અમારો ૧૪ દિવસનો સ્પેન અને પોર્ટુગલની આસપાસનો પ્રોગ્રામ હતો. અમે ૨૨ મેએ પાછા ફરવાના હતા. આખી ટૂર મારા બધા ગમતા મિત્રો સાથે કરવાની હતી એટલે ખૂબ જ એક્સાઇટમેન્ટ હતું. ખાવામાં પણ અમે જૈન હોવાથી અમારા પ્રેફરન્સની જાત-જાતની જૈન આઇટમો ડિહાઇડ્રેટ કરીને તૈયાર રાખી હતી. જોકે અમારા બુકિંગ પછી ૨૨ એપ્રિલે આતંકવાદીઓ દ્વારા પહલગામના ટૂરિસ્ટો પર થયેલા કરુણ, નિર્દય અને અમાનવીય હુમલાથી મારું અને કવિતાનું હૃદય ખૂબ જ ગમગીન થઈ ગયું હતું. આમ છતાં અમે ટૂરમાં મિત્રો સાથે જવાના અમારા પ્રોગ્રામમાં કોઈ જ ફેરફાર કર્યો નહોતો, પરંતુ ઑપરેશન સિંદૂરની શરૂઆત સાથે મનમાં વિચારોનું ઘમસાણ પણ શરૂ થયું હતું કે મારા દેશની સીમાઓ પર દેશના જવાનો દેશની રક્ષા માટે તેમના પરિવારજનોને ભૂલીને જાનની બાજી લગાડીને કુરબાની આપી રહ્યા હોય, બૉર્ડર નજીકનાં ગામોના રહેવાસીઓ દિવસ-રાત ફફડીને જીવી રહ્યા હોય એવા સમયે અમે વિદેશની ધરતી પર મોજશોખ કેવી રીતે કરીએ, આનંદપ્રમોદ કરીને ખુશીની પળો કેવી રીતે માણી શકીએ? આપણા દેશના જવાનોનું કૌશલ અને ખુમારી જ્યારે સરહદ પર ચાલી રહી હોય ત્યારે વિદેશની ધરતી પર કે સ્વદેશમાં પાર્ટી કેવી રીતે કરાય? મનમાં અને હૃદયમાં આ જ ભાવ સાથે આંખો પણ ભીની થઈ ગઈ. એ સાથે જ મેં અને કવિતાએ મનમાં બીજો કોઈ વિકલ્પ રાખ્યા વગર અમારા મિત્રોની નારાજગી વહોરીને, આર્થિક નુકસાનની પરવા કર્યા વગર વિદેશની ટૂરનો પોગ્રામ કૅન્સલ કર્યો હતો.’
શહીદના પરિવારને ૧,૦૧,૦૦૧ રૂપિયા અર્પણ કરશે
ટૂર કૅન્સલ કર્યા પછી ઝાટકિયા દંપતીને ઘાટકોપર-ઈસ્ટના કામરાજનગરના સામાજિક કાર્યકર રામ નાઈકના ૨૪ વર્ષના પુત્ર મુરલી નાઈકના શહીદ થયાના સમાચાર મળ્યા હતા. ઝાટકિયા દંપતી આ સમાચારથી વ્યથિત થઈ ગયું હતું. આ માહિતી આપતાં કેતુલ ઝાટકિયાએ કહ્યું હતું કે ‘શહીદ જવાન મુરલી નાઈકનો પરિવાર અમારા ઘરની સામેની કૉલોનીમાં જ રહે છે. અમે પરદેશ ફરવા ન ગયા જેને કારણે વિદેશની ટૂરમાં પૂરચરણ ખર્ચના ન વાપરવામાં આવેલાં ૧,૦૧,૦૦૧ રૂપિયા અમે ‘મિડ-ડે’ના માધ્યમથી મુરલી નાઈકના પરિવારને અર્પણ કરીશું. અત્યારે તેનો પરિવાર આંધ્ર પ્રદેશમાં છે. તેઓ ૨૪ મેએ પાછા ફરશે ત્યારે અમે ‘મિડ-ડે’ની હાજરીમાં ચેક અર્પણ કરીશું.’
પરાગ શાહે શહીદ મુરલી નાઈકના પરિવાર માટે ૧ લાખ રૂપિયાની સહાય જાહેર કરી, ઘાટકોપરવાસીઓને પણ અપીલ કરી આ સહાયનિધિમાં યથાશક્તિ જોડાવાની
ઘાટકોપર-ઈસ્ટના કામરાજનગરમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રામ નાઈકનો એકનો એક પુત્ર મુરલી નાઇક ઉરીમાં દેશ માટે શહીદ થયો ત્યારે ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહે નાઈક પરિવારને એક લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરીને ઘાટકોપરવાસીઓને પણ નાઈક પરિવારની સહાયનિધિમાં જોડાવાની ગઈ કાલે અપીલ કરી હતી.
પરાગ શાહે ઘાટકોપરની જનતાને અપીલ કરતાં કહ્યું હતું કે ‘મુરલી નાઈક શહીદ થતાં પહેલાં પાંચ આતંકવાદીઓને મારવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ હુમલામાં તે ઘાયલ થયો હતો. તેનું આર્મી-હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આર્થિક રીતે નબળા પરિવારના એકના એક પુત્રએ દેશ માટે આપેલી કુરબાની અણમોલ છે. આવા શૂરવીરના પરિવારના ગુજરાનની જવાબદારી હવે આપણા સૌની છે. આથી મારા તરફથી કર્તવ્ય સ્વરૂપે હું રામ નાઈકના પરિવારને એક લાખ રૂપિયા આપવાનું જાહેર કરું છું. જે લોકો આ સહાયનિધિમાં જોડાવા ઇચ્છતા હોય તેઓ મારી ઑફિસમાં (દેવેન મોબાઇલ નંબરઃ 98691 28088) અથવા વિલેશ (મોબાઇલ નંબરઃ 98204 02808)નો સંપર્ક કરીને તેમની રકમ નોંધાવી શકે છે. જે રકમ ભેગી થશે એમાં મારા એક લાખ રૂપિયા જોડીને રામ નાઈકને એ રકમ અર્પણ કરવામાં આવશે.’