19 April, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરની સોસાયટીમાં ભેગા થઈને ગુજરાતીઓને ચેતવણી આપી રહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો.
ઘાટકોપર-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર ગોપાલ ભુવન નજીક આવેલી શ્રી શંભુ દર્શન સોસાયટીમાં એક મરાઠી પરિવારે નૉન-વેજ ખાધું એ બદલ ગુજરાતી મેમ્બરોએ અપમાન કર્યું હોવાનો દાવો થયા બાદ બુધવારે એક નવો ગુજરાતી વિરુદ્ધ મરાઠી વિવાદ સામે આવ્યો હતો. આ મામલે બુધવારે રાતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ગુજરાતી બહુમતી ધરાવતી રહેણાક સોસાયટીમાં જઈને ખોટી રીતે મહારાષ્ટ્રિયનોને પરેશાન ન કરવાની ચેતવણી ગુજરાતીઓને આપી હતી. એ ઉપરાંત ગઈ કાલે સવારે MNSના કાર્યકરો સોસાયટીની બહાર વિરોધ કરવા ભેગા થતાં ઘાટકોપર પોલીસે બન્ને પાર્ટીને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
શ્રી શંભુ દર્શન સોસાયટીમાં રહેતા રામ રિંગેને એ જ સોસાયટીમાં રહેતા અમુક ગુજરાતી સભ્યોએ ‘મરાઠી લોકો ગંદા છે, તેઓ માંસ-મટન ખાય છે’ એવું કહીને અપમાનિત કર્યો હોવાની માહિતી મળતાં અમે આવું કેમ બોલ્યા એવો સવાલ પૂછવાની સાથે ચેતવણી આપવા ગયા હતા એમ જણાવતાં MNS કામગાર સેનાના ઉપપ્રમુખ રાજ પાર્ટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સોસાયટીમાં ફક્ત ચાર મરાઠી પરિવાર હોવાનું કહેવાય છે. મોટા ભાગના લોકો ગુજરાતી, મારવાડી કે જૈન છે. છેલ્લા કેટલાક સમયથી આ સોસાયટીના મરાઠી પરિવારને અલગ-અલગ મુદ્દે પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ અમને મળી હતી. હદ તો ત્યારે થઈ હતી જ્યારે ‘મરાઠી લોકો ગંદા છે તેઓ માંસ-મટન ખાય છે’ કહીને મરાઠી પરિવારજનોનું અપમાન કરવામાં આવ્યું હતું. એ જોતાં મેં પાર્ટીના કાર્યકરો સાથે સોસાયટીની મુલાકાત લીધી હતી અને રહેવાસીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તમે મહારાષ્ટ્રમાં રહેવા અને વ્યવસાય કરવા માગતા હો તો તમારે મહારાષ્ટ્રિયનોનું સન્માન કરવું જોઈએ, અપમાન નહીં. આ સોસાયટીમાં માત્ર ચાર મહારાષ્ટ્રિયન પરિવાર રહે છે એટલે તમે તેમને દબાવી ન શકો. જરૂર પડશે તો અમે વિરોધમાં આ સોસાયટીની બહાર ૪૦૦૦ લોકોને ભેગા કરીશું.’
ગુજરાતી અને મરાઠી બન્નેને બોલાવીને અમે તેમને સમજાવ્યા છે, હાલમાં અમે મામલો શાંત પાડી દીધો છે એમ જણાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ કાલદાતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે એક મહિના પહેલાં થયેલા ઇલેક્શનમાં મરાઠી પરિવારની હાર થઈ હતી અને એ સમયથી નાનો-નાનો વિવાદ સોસાયટીમાં ચાલતો હોવાની માહિતી અમને મળી છે. અત્યારે આટલો વિવાદ કેમ વધ્યો એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. હાલમાં અમે બન્ને પાર્ટીને પોલીસ-સ્ટેશન બોલાવીને તેમને સમજાવી દીધી છે. અત્યારે આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. ૧૧ મેએ સોસાયટીમાં જનરલ મીટિંગનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બન્ને પાર્ટીને થતી પરેશાની વિશે ચર્ચા કરવામાં આવશે.’