૫૦૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ ભિક્ષુકનો વેશ ધારણ કરીને ફર્યા

16 September, 2026 07:10 AM IST  |  Mumbai | Varsha Chitaliya

એક દિવસના આ પ્રયોગે મારા વાસ્તવિક જીવનના પાયા હચમચાવી નાખ્યા છે... ભિખારી બન્યા પછી મને એ પણ સમજાઈ ગયું કે દાન અને મદદ ફક્ત પૈસાવાળા લોકો જ કરી શકે એ માન્યતા ખોટી છે

પરાગ શાહ

૫૦૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ પોતાના ગુરુ નમ્રમુનિ મહારાજસાહેબના આદેશથી અહંકારને ઓગાળવા માટેના આધ્યાત્મિક અને સામાજિક પ્રયોગરૂપે ભિક્ષુકનો વેશ ધારણ કરીને ફર્યા, ભીખ માગીને પેટ ભર્યું. આ અનુભવ પછી તેઓ શું કહે છે?

આકરો તડકો, રસ્તા પર કાન ફાડી નાખે એવો હૉર્નનો અવાજ અને પોતપોતાની મસ્તીમાં દોડતા મુંબઈગરાઓની ભીડ વચ્ચે ફુટપાથના ખૂણે, કચરાના ઢગલાની નજીક એક માણસ બેઠો છે. વિખરાયેલા લાંબા વાળ, ચહેરા પર વધેલી દાઢી, શરીરે મેલાં અને ફાટેલાં કપડાં, હાથમાં વાટકો અને આંખોમાં લાચારી. સિગ્નલ પર ગાડી ઊભી રહે છે ત્યારે તે માણસ આશાભરી નજરે AC કારના કાચ તરફ જુએ છે. કોઈ તેને જોઈને મોઢું બગાડે છે તો કોઈ આગળ વધો એમ કહીને ધિક્કારે છે. કોઈ વળી દયા ખાઈને તેના વાટકામાં બે-પાંચ રૂપિયા કે બિસ્કિટનું પૅકેટ ફેંકી દે છે. પહેલી નજરે કૅમેરામાં કેદ થયેલું આ દૃશ્ય ભિખારીનું લાગે, પરંતુ આ ચહેરા પાછળ જે અસલી ઓળખ છુપાયેલી છે એ જાણીને આખા મુંબઈનું અને મહારાષ્ટ્રનું રાજકારણ ચોંકી ગયું છે. ફાટેલાં કપડાં અને ભિક્ષાપાત્ર ધારણ કરનાર વ્યક્તિ કોઈ કંગાળ માણસ નથી; ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક, મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી ધનિક વિધાનસભ્ય પરાગ શાહ છે. ઘાટકોપર-ઈસ્ટના આ વિધાનસભ્ય સામાન્ય રીતે આલીશાન ગાડીમાં હોય છે અને બૉડીગાર્ટ તથા સમર્થકો વચ્ચે ઘેરાયેલા રહે છે, પણ ૧૪ સપ્ટેમ્બરે મુંબઈના રસ્તા પર ભિખારી બનીને ભીખ માગતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં આ કોઈ ચૂંટણીલક્ષી રાજકીય સ્ટન્ટ નહોતો, પોતાના અહંકારને ઓગાળવા માટેનો આધ્યાત્મિક અને સામાજિક પ્રયોગ હતો. 

મહારાજસાહેબનો આદેશ

ચાતુર્માસ દરમ્યાન પરાગ શાહ તેમના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબના શરણમાં ગયા ત્યારે ગુરુદેવે કહ્યું, ‘અતિશય વૈભવ, પદ અને અબજોની સંપત્તિને કારણે માણસના મનમાં અજાણતાં જ ‘હું કંઈક છું’નો અહંકાર આવી જાય છે. જો સાચા અર્થમાં આત્માને શુદ્ધ કરવો હોય અને સમાજના સૌથી નીચલા વર્ગની પીડા સમજવી હોય તો AC કૅબિન અને લક્ઝરી લાઇફ છોડીને ફુટપાથ પરના સંઘર્ષને જીવવો પડે.’ 

ગુરુની આ આજ્ઞા માનીને પરાગ શાહે પ્રોટોકૉલ, સિક્યૉરિટી અને મોબાઇલ ફોનનો ત્યાગ કર્યો અને પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ પાસે ભિક્ષુકનો લુક તૈયાર કરીને રસ્તા પર ઊતરી પડ્યા. પોતાનો અનુભવ શૅર કરતાં પરાગભાઈ કહે છે, ‘વેશપલટો એટલો આબેહૂબ હતો કે જે જનતા માટે હું વિધાનસભામાં બેસું છું એમાંથી એક પણ વ્યક્તિ મને ઓળખી ન શકી. વિધાનસભ્ય તરીકે લોકો માન-સન્માન આપે છે, પણ ભિખારીના રૂપમાં લોકોએ મને ધિક્કાર્યો અને નજરઅંદાજ કર્યો. ભૂખ લાગે ત્યારે કોઈની સામે હાથ ફેલાવવો કેટલો પીડાદાયક છે એનો પ્રત્યક્ષ અનુભવ મને થયો. મેં આ પ્રયોગ કોઈ પણ પ્રકારના રાજકીય પ્રચાર, ચૂંટણી-સ્ટન્ટ કે પબ્લિસિટી માટે નથી કર્યો. ચાતુર્માસ દરમ્યાન ગુરુના આદેશથી અધધધ સંપત્તિ અને વૈભવથી થોડો સમય દૂરી રહીને એક જરૂરિયાતમંદ વ્યક્તિ કેવું જીવન જીવે છે એનો અનુભવ લેવા કર્યો હતો. રસ્તા પર ભીખ માગતી વખતે સમાજના અલગ-અલગ ચહેરા જોયા. ઘણા લોકોએ મારી અવગણના કરી અને કેટલાકે ધિક્કારીને ઠપકો પણ આપ્યો. વાસી રોટલી અને ભોજન ખાઈને મેં મારી ભૂખ સંતોષી હતી. આનાથી મને એ સમજાયું કે ગરીબી અને ભૂખમરાની વેદના શું છે. આનાથી મને સમજાયું કે દુનિયા માણસને નહીં, તેના પદ અને પૈસાને જ માન આપે છે. જ્યારે કોઈ તમારી સામે જોવાનું પણ પસંદ નથી કરતું ત્યારે બધો જ અહંકાર ક્ષણભરમાં ચૂર-ચૂર થઈ જાય છે. આ અનુભવ આત્મજ્ઞાનનો પાઠ સાબિત થયો છે.’

માનવતા જીવે છે
આ આખા પ્રયોગ બાદ પરાગ શાહે નિખાલસતાથી કબૂલાત કરી હતી કે મુંબઈમાં માનવતા હજી જીવે છે. રોજબરોજના સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મુંબઈગરાનાં વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે ‘મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મુંબઈના લોકોની ઉદારતા અને એકબીજાને મદદ કરવાની ભાવના અદ્ભુત છે જે મેં એક ભિક્ષુક બનીને અનુભવી છે. કોઈએ મને ૨૦ રૂપિયા આપતાં કહ્યું કે જાઓ બાબા, ખાના ખા લો. એક સમોસાવાળાએ મારી પાસેથી પૈસા નહોતા લીધા. આ સમગ્ર પ્રયોગ બાદ સાંજ પડ્યે મેકઅપ ઉતારીને મેં એ જ લારીવાળા અને સામાન્ય નાગરિકોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.’

આ અનુભવ પછી શું?
આ અદ્ભુત પ્રયોગ પછી પરાગ શાહ આપણી સામે ફરી વિધાનસભ્યના મૂળ રૂપમાં બેઠા છે ત્યારે ‘મિડ-ડે’એ તેમને સવાલ પૂછ્યો કે ‘મહારાજસાહેબના આદેશથી તમે આ બધું  કરી તો લીધું, પણ હવે શું? આ પ્રયોગ માત્ર એક દિવસ પૂરતો જ સીમિત હતો કે પછી તમારા વાસ્તવિક જીવન પર પણ એનો કોઈ કાયમી પ્રભાવ પડશે? શું હવે તમે જીવનને કોઈ નવા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છો?’ 

ક્ષણિક મૌન રહ્યા પછી પરાગ શાહે કહ્યું હતું કે ‘રોજ તો હું ભિખારી બનીને જીવી ન શકું, પરંતુ હું પૂરી પ્રામાણિકતાથી સ્વીકારું છું કે એક દિવસના અનુભવે મારા વાસ્તવિક જીવનના પાયા હચમચાવી દીધા છે. અભાવોમાં પણ કઈ રીતે જીવવું એ હું શીખ્યો. કોઈ વસ્તુ આપણી પાસે ન હોય તો એનાથી જીવનમાં કોઈ મોટો ફરક નથી પડી જતો. આપણા સમાજમાં હજારો લોકો અભાવમાં જીવે છે. ભિખારી બન્યા પછી મને એ પણ સમજાયું કે દાન અને મદદ માત્ર પૈસાવાળા લોકો જ કરી શકે એ માન્યતા ખોટી છે. સમોસા અને પુલાવની લારી ધરાવતી વ્યક્તિ પણ સમાજમાં મદદરૂપ થતી હોય જ છે. કોઈના માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. મોટો બોધપાઠ એ મળ્યો કે ભાષાવાદ અને જાતિવાદ સત્તા અને પૈસાના જોરે જ કરી શકાય. ભિખારી તરીકે મને કોઈએ પૂછ્યું નહોતું કે તું કઈ ભાષા બોલે છે કે તારો ધર્મ શું છે? ઘાટકોપરમાં ભૂખ્યાઓને જમાડવા સહિતનાં માનવતાનાં અનેક કાર્યો હું હંમેશાં કરું જ છું. હવે આ દિશામાં વધુ સારી રીતે કામ કરીશ.’   

mumbai news mumbai ghatkopar Varsha Chitaliya jain community paryushan namramuni maharajsaheb