23 December, 2025 07:14 AM IST | Mumbai | Rohit Parikh
ઘાટકોપર-વેસ્ટના મહાત્મા ગાંધી રોડ પર ટ્રાફિક-વિભાગના અધિકારી અને સ્થાનિક દુકાનદારો સાથે ટ્રાફિક-સમસ્યાના ઉકેલ માટે વાતચીત કરી રહેલા ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ.
શુક્રવારે ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહે રૉન્ગ સાઇડથી આવતા રિક્ષાવાળાને લાફો માર્યાે એ પછી અચાનક પોલીસ અને ટ્રાફિક પોલીસ ઊંધી દિશામાં વાહન ચલાવતા લોકો સામે આકરી થઈ છે ઃ BJPએ પણ લોકોમાં ટ્રાફિક-શિસ્ત આવે એ માટે ઠેર-ઠેર અવેરનેસ ઝુંબેશ શરૂ કરી છે
ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટના વિસ્તારોમાં ગેરકાયદે ફેરિયાઓની વધતી જતી સંખ્યા તેમ જ ખોટી દિશામાં ગેરકાયદે વાહન ચલાવતા ડ્રાઇવરો સામે જનજાગૃતિ ફેલાવવા માટે ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પરાગ શાહ અને તેમના કાર્યકરો ગઈ કાલે સાંજે બે કલાક રોડ પર ઊતરી આવ્યા હતા. આ પહેલાં શુક્રવારે ઘાટકોપરની ખાઉગલીના નામે પ્રસિદ્ધ વલ્લભબાગ લેનમાંથી મહાત્મા ગાંધી રોડ તરફ રૉન્ગ સાઇડથી આવી રહેલા એક રિક્ષાવાળાને પરાગ શાહે લાફો માર્યા પછી અચાનક સફાળી જાગેલી મુંબઈ પોલીસ અને ટ્રાફિક-પોલીસ ગઈ કાલે સવારથી રાત સુધી વલ્લભબાગ લેન, તિલક રોડ અને વિદ્યાવિહાર-વેસ્ટમાં રૉન્ગ સાઇડથી આવતાં વાહનો તેમ જ ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો પર દંડાત્મક કાર્યવાહી કરવા રોડ પર હતી. એના પરિણામે ગઈ કાલે ઘાટકોપર-ઈસ્ટમાં વાહનચાલકો, બાઇકરો અને રિક્ષા-ડ્રાઇવરોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ટ્રાફિક-વિભાગમાંથી મળેલી માહિતી પ્રમાણે ગઈ કાલે એક જ દિવસમાં ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા ૩૦૦થી વધુ બાઇકરો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેન અને તિલક રોડ પર ઍક્શન લેતી ટ્રાફિક-પોલીસ.
વલ્લભબાગ લેનમાં ટ્રાફિકનું નિયંત્રણ કરી રહેલા BJPના સિનિયર કાર્યકર રવિ પૂજ.
લોકોમાં ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ ફેલાવતી ઝુંબેશમાં સહભાગી થયેલા ઘાટકોપરવાસીઓ.
ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી અને ફેરિયાઓના ઉપદ્રવને લીધે ઘાટકોપરમાં ટ્રાફિક-જૅમ ચરમસીમાએ પહોંચ્યો છે અને ટ્રાફિક-વિભાગના અધિકારીઓ તેમની ફરજ બજાવતા હોવા છતાં ઘાટકોપરમાં રસ્તા પર અને ખાસ કરીને રાજમાર્ગોના જંક્શન પર ગંભીર રીતે ગેરશિસ્તનો સામનો કરવો પડી રહ્યો છે. આની સાથે રિક્ષા અને કેટલીક વાર બાઇકરો બેફામ અને વધુ પડતી ઝડપે વાહન ચલાવતા હોવાથી ઘાટકોપરના લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ગઈ કાલે પરાગ શાહની ટીમને મળેલા આંકડા પ્રમાણે એકલા વિદ્યાવિહારમાં વીસથી વધુ વ્યક્તિઓ રૉન્ગ સાઇડથી અને રૅશ-ડ્રાઇવિંગ કરતા બાઇકરોને લીધે અકસ્માતનો ભોગ બની છે.
ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગર અને કામા લેનના વિસ્તારોને આવરી લેતા વિધાનસભા ક્ષેત્રના યુવા અધ્યક્ષ વિશાલ પૂજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘાટકોપર-ઈસ્ટના વિસ્તારને સુરક્ષિત, વ્યવસ્થિત અને અકસ્માતમુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. રસ્તાઓ જાહેર સંપત્તિ છે અને એના પર વ્યવસ્થા જાળવવાની જવાબદારી દરેકની છે. આથી ગઈ કાલથી પાંચ દિવસ સુધી ચાલનારી અમારી ઝુંબેશમાં ફક્ત BJPના કાર્યકરો જ નહીં, સ્થાનિક રહેવાસીઓ પણ જોડાયા હતા. અમારી આ પહેલને પંતનગરનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુથાર અને સમગ્ર ટ્રાફિક-વિભાગનો જબરો સાથસહકાર મળી રહ્યો છે. તેઓ પણ અમારી ઝુંબેશને વેગ આપવા કટિબદ્ધ છે.’
ગઈ કાલની ઝુંબેશ સંદર્ભે વિશાલ પૂજે કહ્યું હતું કે ‘અમે તમામ લોકોને નમ્ર અપીલ કરીએ છીએ કે તેઓ આ જાહેર અપીલમાં ભાગ લે અને પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે શિસ્તબદ્ધ અને સકારાત્મક રીતે ભાગ લે. અમને મળેલી ફરિયાદ પ્રમાણે મુખ્યત્વે ઘાટકોપરમાં રસ્તા પર અને ખાસ કરીને ચાર રસ્તાનાં જંક્શનો પર ગંભીર રીતે ગેરશિસ્તનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં એવું જોવા મળે છે કે દસમાંથી ૮ વખત રિક્ષા-ડ્રાઇવરો લેન તોડીને ટ્રાફિક જૅમ કરે છે.
કેટલીક વાર સ્કૂટરવાળાઓ સાથે તેઓ પણ બેફામ અને વધુ પડતી ઝડપે વાહન ચલાવતા જોવા મળે છે જે લોકોના જીવને જોખમમાં મૂકે છે અને અકસ્માતનું જોખમ વધારે છે. આવા સમયે રસ્તા પર ટ્રાફિક અને ભીડ અસહ્ય બની જાય છે અને વૃદ્ધો સહિત તમામ લોકો માટે પણ રસ્તો ક્રૉસ કરવાનું અશક્ય બની જાય છે. પરાગ શાહ અને અમારી ટીમે ગઈ કાલે ટ્રાફિક-વિભાગના અધિકારીઓને આ બાબતમાં કડક પગલાં લેવાની સૂચના આપી છે.’
ગઈ કાલે ટ્રાફિક-વિભાગે બાઇકરો સામે ઍક્શન લીધી હતી, પરંતુ રિક્ષા-ડ્રાઇવરો સામે હજી પણ તેઓ રહેમનજર રાખી રહ્યા છે એમ જણાવતાં વિશાલ પૂજે કહ્યું હતું કે ‘અમારી ઝુંબેશ ચાલી રહી છે અને અમે ટ્રાફિક-વિભાગના અધિકારીઓને કાયદાનું ઉલ્લંઘન કરનાર તમામ વાહનચાલકો સામે કડક પગલાં લેવા માટે સૂચિત કર્યા હોવા છતાં હજી સુધી શૅર-અ-રિક્ષાના ડ્રાઇવરો ૬ પૅસેન્જરોને બેસાડીને બેફામ ડ્રાઇવિંગ કરીને પૅસેન્જરો અને સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે એને માટે પણ અમે અમારી લડત લડીશું.’
વલ્લભબાગ લેનના એક સ્થાનિક રહેવાસી સ્મિત શાહે ટ્રાફિક-વિભાગની ચાલી રહેલી ઝુંબેશ વિશેની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારથી અમારા વિસ્તારમાં પોલીસ અને ટ્રાફિક-પોલીસનાં ધાડાં ઊતરી આવ્યાં છે. ફેરિયાઓ પર પણ મહાનગરપાલિકાના અધિકારીઓ રાતે ગયા પછી પોલીસ ઍક્શન લઈ રહી છે. ગઈ કાલે તો સવારથી જ બાઇકરો પર તબાહી આવી ગઈ હતી. રૉન્ગ સાઇડથી આવતા કોઈ પણ બાઇકરને પોલીસ દંડાત્મક કાર્યવાહી કર્યા વગર છોડતી નહોતી. જો આવી જ કાર્યવાહી દરરોજ કરવામાં આવે તો કદાચ અમે શાંતિનો અનુભવ જરૂર કરી શકીશું. બાકી અત્યારે તો ‘ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત’નો અહેસાસ થઈ રહ્યો છે.’