✕

ઘાટકોપરમાં છઠ પૂજા માટે ૧ કરોડના ખર્ચે કૃત્રિમ તળાવો બનાવવાનો વિરોધ

14 November, 2026 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક તરફ ઉત્તર ભારતીય સમુદાયના આસ્થાના આ પર્વને ભવ્ય બનાવવા તંત્ર સક્રિય છે તો બીજી તરફ પ્રોગ્રામ શરૂ થાય એ અગાઉ જ સ્થાનિક સ્તરે અને સોશ્યલ મીડિયા પર આ પક્ષપાતી આયોજન સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

આચાર્ય અત્રે મેદાનમાં તૈયાર થયેલાં કૃત્રિમ તળાવ.

ઘાટકોપર-ઈસ્ટના પંતનગરસ્થિત આચાર્ય અત્રે મેદાનમાં ઉત્તર ભારતીય સમાજના મહાપર્વ છઠ પૂજાની ભવ્ય ઉજવણી માટે BMC દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ આયોજન શરૂ થાય એ પહેલાં જ ઘાટકોપરમાં ભારે વિરોધના સૂર ગુંજવા લાગ્યા છે. ૧૫ અને ૧૬ નવેમ્બરના કાર્યક્રમ માટે BMC દ્વારા આ મેદાનમાં ૧૦૦ જેટલાં કૃત્રિમ તળાવોનું નિર્માણ કરવા સહિત શ્રદ્ધાળુઓની સુવિધા માટે ફ્લોરિંગ, રેલિંગ, બૅરિકેડિંગ, વીજળી અને પીવાના પાણી જેવી વ્યાપક વ્યવસ્થાઓ પાછળ ૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતીય સમુદાયના આસ્થાના આ પર્વને ભવ્ય બનાવવા તંત્ર સક્રિય છે તો બીજી તરફ પ્રોગ્રામ શરૂ થાય એ અગાઉ જ સ્થાનિક સ્તરે અને સોશ્યલ મીડિયા પર આ પક્ષપાતી આયોજન સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
આ ભવ્ય આયોજન અને BMCના ભંડોળના ઉપયોગ સામે મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના સેક્રેટરી ઍડ્વોકેટ અભિષેક સાવંતે તીખી પ્રતિક્રિયા આપતાં સવાલો ઉઠાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શું BMCએ ઘાટકોપરના સામાન્ય નાગરિકો અને મરાઠી માણસોની તમામ પાયાની સમસ્યાઓ હલ કરી દીધી છે? જ્યારે વિસ્તારમાં ગટરોનું નિર્માણ કરવા, શૌચાલયોની સુવિધા વધારવા, ખરાબ રસ્તાઓ સુધારવા કે BMC સ્કૂલોના વિકાસ માટે BMC પાસે ક્યારેય પૂરતાં નાણાં હોતાં નથી ત્યારે માત્ર એક જ તહેવાર પાછળ જંગી ખર્ચ કરીને કૃત્રિમ તળાવો બનાવવા કેટલા અંશે યોગ્ય છે? આ વિરોધ માત્ર આર્થિક ખર્ચ પૂરતો મર્યાદિત નથી, સ્થાનિક નાગરિકોના હકો અને પ્રાથમિક સુવિધાની ઉપેક્ષા સાથે પણ જોડવામાં આવ્યો છે. આ મામલે અમે સ્થાનિક BMCના વૉર્ડ ઑફિસરને ફરિયાદ કરી તમામ કામ અટકાવવા માટેની માગણી કરી છે.’

ghatkopar mumbai news mumbai brihanmumbai municipal corporation festivals