ટોચની બ્રૅન્ડ્સના નામે ડુપ્લિકેટ કપડાં વેચતા ઘાટકોપરના દુકાનદારની અટક

19 October, 2025 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રૅન્ડેડ કપડાં માત્ર ઑથોરાઇઝ્ડ દુકાનમાંથી જ ખરીદવાનું રાખવું જેથી ડુપ્લિકેશન થવાની શક્યતા ટાળી શકાય.

ઘાટકોપરની મિતી નામની દુકાનમાં પોલીસે કરેલી કાર્યવાહી અને જપ્ત કરેલો માલ.

ઘાટકોપર-ઈસ્ટમાં વલ્લભબાગ લેનમાં આવેલી મિતી નામની કપડાંની દુકાનમાં પંતનગર પોલીસે શુક્રવારે ઇન્ટરનૅશનલ કપડાંની બ્રૅન્ડના પ્રતિનિધિઓ સાથે જૉઇન્ટ કાર્યવાહી કરીને ડુપ્લિકેટ કપડાં વેચવાના ષડ્‌યંત્રનો પર્દાફાશ કર્યા હતો. કૅલ્વિન ક્લેઇન અને USPA જેવી મોટી બ્રૅન્ડનાં લેબલ લગાડીને ગ્રાહકોને કપડાં વેચવામાં આવતાં હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે મિતી નામની દુકાનના માલિક કેનિલ દેઢિયા સામે કૉપીરાઇટ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તેની અટક કરી હતી. આ મામલે પોલીસે આશરે ૨.૫૬ લાખ રૂપિયાનાં ડુપ્લિકેટ શર્ટ્સ, ટી-શર્ટ્સ અને જીન્સના માલનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ માલ ક્યાંથી આવતો હતો અને ક્યાં તૈયાર કરવામાં આવતો હતો એની જાણકારી મેળવીને આગળ તપાસ શરૂ કરવામાં આવી છે. 

પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરની વલ્લભબાગ લેનમાં આવેલી મિતી નામની કપડાંની દુકાનમાં બ્રૅન્ડેડ કંપનીનાં લેબલ ચોંટાડીને ગ્રાહકોને સામાન્ય કપડાં આપી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની બાતમી અમને બ્રૅન્ડેડ કંપનીના પ્રતિનિધિઓએ આપી હતી. એના આધારે શુક્રવારે તપાસ કરવામાં આવતાં USPA અને કૅલ્વિન ક્લેઇનનાં લેબલ લગાડેલાં કપડાંનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝીણવટભરી તપાસ કરતાં એ તમામ કપડાં ડુપ્લિકેટ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અંતે ખોટાં લેબલવાળો તમામ માલ જપ્ત કરી દુકાનના માલિક કેનિલ દેઢિયાની અટકાયત કરી તેની સામે ફરિયાદ નોંધી હતી. આ ગુનો જામીનપાત્ર હોવાથી પછીથી કેનિલને છોડી મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં જપ્ત કરેલાં કપડાંનાં સૅમ્પલ લઈને એમને તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.’

કૅલ્વિન ક્લેઇન, ઝારા, ટૉમી હિલફિગર, લિવાઇસ, USPA બ્રૅન્ડના પ્રતિનિધિ નીરજ દહિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં નાની દુકાનોમાં કૅલ્વિન ક્લેઇન, ઝારા, ટૉમી હિલફિગર, લિવાઇસ, USPA બ્રૅન્ડનાં કપડાં ઓછા ભાવે આપવાના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાથી અમે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ડ્રાઇવ શરૂ કરી છે. અમે ગ્રાહકોને અપીલ કરીએ છીએ કે બ્રૅન્ડેડ કપડાં માત્ર ઑથોરાઇઝ્ડ દુકાનમાંથી જ ખરીદવાનું રાખવું જેથી ડુપ્લિકેશન થવાની શક્યતા ટાળી શકાય.’

mumbai news mumbai ghatkopar mumbai police Crime News mumbai crime news