શૅરબ્રોકરે જીવ બચાવવા કાચ તોડીને પહેલા માળેથી મારી છલાંગ

14 October, 2025 07:14 AM IST  |  Mumbai | Rohit Parikh

અનેક લોકોએ મદદ માટે ઉપરથી ફેંકી ચિઠ્ઠી

ભારે ધુમાડાને કારણે અસંખ્ય લોકો ફસાયેલા રહ્યા અને ગૂંગળામણનો ભોગ બન્યા

ઘાટકોપરના ગોલ્ડક્રેસ્ટ બિઝનેસ પાર્કમાં લાગેલી ભયંકર આગથી જબરદસ્ત પૅનિક ફેલાઈ ગયું

‘અમારો પૅસેજ બ્લૅક સ્મોકથી ભરાઈ ગયો હતો. ધુમાડો ઑફિસમાં આવી રહ્યો હતો. અમને ગૂંગળામણ થઈ રહી હતી. બહાર જોયું તો બચવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો. આગ અમારી તરફના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી. માહોલ પૅનિક બની ગયો હતો. મેં અને મારી બાજુની ઑફિસવાળાઓએ કાચ તોડી નાખ્યા હતા છતાં ધુમાડો બહાર જતો નહોતો. મેં નીચે જોયું તો એક ટેમ્પો ઊભો હતો. તરત જ મેં પહેલા માળેથી ૬ ફુટ ઊંચેથી ટેમ્પો પર કૂદકો મારી દીધો હતો.’

ગઈ કાલે બપોરે ૨.૩૫ વાગ્યે ઘાટકોપર-વેસ્ટના ગોલ્ડક્રેસ્ટ બિઝનેસ પાર્કના પહેલા માળે શૅરબ્રોકરનું કામકાજ કરી રહેલા ૩૫ વર્ષના પ્રીતેશ શાહે આગ લાગ્યા પછી બની ગયેલા પૅનિક વાતાવરણની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોલ્ડક્રેસ્ટ બિઝનેસ પાર્કના ગ્રાઉન્ડ ફ્લોરના એક ડક એરિયામાં હાઈ-વૉલ્ટેજ કેબલમાં શૉર્ટ સર્કિટ થતાં પહેલાં મોટો ધડાકો થયો એ પછી આગ લાગી હતી. એમાં બિઝનેસ પાર્કના આઠમા માળ સુધી આગનો ધુમાડો ફેલાયો હતો. કાચની બિલ્ડિંગ હોવાથી ધુમાડાના ગોટેગોટા પૅસેજ અને ઑફિસમાં પ્રસરી જતાં ઑફિસમાં ફસાયેલા લોકો માટે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.’

આ બાબતે પ્રીતેશ શાહે કહ્યું હતું કે ‘આગ લાગ્યા બાદ આઠમા માળ સુધી કાળા ધુમાડાથી અમારો આખો બિઝનેસ પાર્ક ઘેરાઈ ગયો હતો. લોકો જીવ બચાવવા ભાગદોડ કરી રહ્યા હતા. આઠમા માળે જેમની ઑફિસ હતી એ લોકો પોતાનો જીવ બચાવવા ‘બચાવો બચાવો’ની બૂમો પાડતા હતા. જોકે તેમની બૂમો ધમાલને લીધે લોકોના કાને પહોંચતી નહોતી.’

અમે ત્યારે જમવા બેઠા હતા

આગની વિસ્તૃત માહિતી આપતાં બિઝનેસ પાર્કના એક સિક્યૉરિટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગી ત્યારે અમે જમવા બેઠા હતા. અમે જમવાનું છોડીને લોકોને સુરક્ષિત કરવા માટે આઠમા માળ સુધી દોડ્યા હતા. ફાયર-બ્રિગેડની ૧૫થી ૨૦ ગાડી પોણો કલાક પછી આવી હતી. જોકે ફાયર-બ્રિગેડે થોડી જ વારમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. અનેક લોકો ઑફિસમાં ફસાયેલા હતા. ફાયર-બ્રિગેડે આવીને સૌથી પહેલાં લાઇટો બંધ કરી દીધી હતી એટલું જ નહીં, સલામતીના પગલારૂપે આસપાસના બિલ્ડિંગની લાઇટો અને બાજુમાં આવેલો પેટ્રોલ-પમ્પ પણ બંધ કરાવી દીધો હતો.’

અમે પહેલાં ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવવાની કોશિશ કરી  હતી અમે જણાવતાં અન્ય એક સિક્યૉરિટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે અને અન્ય લોકો ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવવામાં નિષ્ફળ ગયા હતા, કેમ કે એ નકામાં હતાં.’

ફાયર ઇક્વિપમેન્ટ સિસ્ટમ પણ ડૅમેજ

અમારા બિઝનેસ પાર્કના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી નિર્વાણ એક્સલન્સ થ્રી ટેસ્લા MRIમાં ગઈ કાલે બપોરે આગ ફાટી લાગી હતી. એની સાથે અમારી ફાયર ઇક્વિપમેન્ટ સિસ્ટમ પણ ડૅમેજ થઈ ગઈ હતી એવું કહેતાં સોસાયટીના કમિટી-મેમ્બર અને બીજે ઑફિસ ધરાવતા તરુણ લાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અમે આવો અકસ્માત ભવિષ્યમાં ન થાય એ માટેની તૈયારી કરીશું. અનેક લોકો તેમનો સામાન લેવા માટે સાંજે ઑફિસમાં જવાની ઉતાવળ કરતા હતા અને પોલીસે તેમને જવા દીધા હતા, પરંતુ ત્યાર પછી અમે માલમિલકતની સુરક્ષાને લક્ષમાં રાખીને લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી.’

બૉક્સઃ

‘હેલ્પ હેલ્પ’ની બૂમો ન સાંભળી તો લોકોએ ઉપરથી ચિઠ્ઠી ફેંકી

અમારી હાલત એટલી ગંભીર બની ગઈ હતી કે અમે અમારી ઑફિસની કાચની બારી તોડીને એમાં ફોન-નંબર અને ‘હેલ્પ હેલ્પ’ લખીને નીચે ચિઠ્ઠીઓ ફેંકી હતી એવું કહેતાં આઠમા માળે ત્રણ ઑફિસ ધરાવતા અને ડેટા કમ્યુનિકેશનનો બિઝનેસ કરતા પ્રમોદ રામચંદ્રને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ‘બચાવો બચાવો’ની બૂમો નીચે સુધી પહોંચતી જ નહોતી. એટલે અમારી પાસે જીવ બચાવવા માટે બીજો કોઈ રસ્તો જ નહોતો. લોકોની મદદ મેળવવા માટે અમે અમારી ઑફિસના કાચમાંથી અમારો ફોન નંબર લખીને અમને મદદ કરવાની વિનંતી કરતી ચિઠ્ઠીઓ નીચે ફેંકી હતી. જોકે થોડી વાર પછી સિક્યૉરિટીએ અમારી ટેરેસના દરવાજાનું લૉક તોડીને અમને ૨૦૦થી વધુ લોકોને ટેરેસ પર મોકલી દીધા હતા. ત્યાં અમે માનસિક ટેન્શનમાં હતા, પણ સુ‌રક્ષિત હતા. અમને ત્રણ-ચાર કલાક પછી ફાયર-બ્રિગેડના ૧૫થી વધુ જવાનોએ ઉપર આવીને સ્ટેરકેસ પરથી નીચે ઉતાર્યા હતા ત્યારે પણ આગના ધુમાડાથી પૅસેજ ભરાયેલો હતો.’

બૉક્સઃ ધુમાડાને કારણે ભય વધી ગયો હતો

અમારા માટે કાચનું બિલ્ડિંગ વધુ જોખમી બન્યું હતું એમ જણાવતાં બીજા માળે ઑફિસ ધરાવતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અલ્પા કુવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ કરતાં પણ ઝેરી ધુમાડાને કારણે અમારો ભય વધી ગયો હતો. બહુ ઓછા સમયમાં આખા બિઝનેસ પાર્કમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. અનેક લોકો તેમની ઑફિસના કાચ તોડીને બહાર આવ્યા હતા એને કારણે તેમને ઈજા થઈ હતી. આગને લીધે કોઈ જાનહાનિ થઈ નહોતી પણ બધી ઑફિસના કર્મચારીઓ અને માલિકો તેમની ઑફિસ ખુલ્લી મૂકીને તેમનાં ઇલક્ટ્રૉનિક ઉપકરણો ચાલુ રાખીને આગથી બચવા નીચે ઊતરી ગયા હતા. અમને અમારા સોસાયટીના ગ્રુપમાં મોઢા પર ભીનો રૂમાલ કે કપડું બાંધીને નીચે ઊતરવા માટેનાં ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યાં હતાં.’

ફાયર-બ્રિગેડ શું કહે છે?

અમારી પ્રાથમિક તપાસમાં એક ગ્રાઉન્ડ ફ્લોરના કેબલમાં શૉર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની માહિતી મળી હતી એમ જણાવતાં એક ફાયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ ગ્રાઉન્ડ પ્લસ આઠ ફ્લોરના બિઝનેસ પાર્કમાં લાગી હતી. અમે ઘટનાસ્થળે પહોંચીને તરત જ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. ઈજાગ્રસ્ત લોકોને અમે ઍમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવા હૉસ્પિટલ લઈ ગયા હતા. લોકોને રેસ્ક્યુ કરવા માટે અમારે સીડીનો ઉપયોગ કરવો પડ્યો હતો.’

ગૂંગળામણનો ભય ઃ

ભારે ધુમાડાને કારણે અસંખ્ય લોકો ફસાયેલા રહ્યા અને ગૂંગળામણનો ભોગ બન્યા. કાચના રવેશ ધુમાડાને બહાર નીકળતાં અટકાવી શકે છે અને એને કારણે ધુમાડા અંદર જમા થાય છે અને ઝડપથી હવાને ઝેરી બનાવી દે છે.

બચાવ કામગીરી ઃ

જાડા ધુમાડાએ બચાવ પ્રયાસોને અવરોધ્યા. ફાયર-બ્રિગેડે વિવિધ માળ પર બારીમાંથી લોકોને બહાર કાઢવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો.

 

mumbai mumbai news mumbai fire brigade fire incident ghatkopar columnists