18 July, 2026 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુમુક્ષુ યશ્વી જલ્પા નીલેશ મહેતા
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબના પાવન ચરણ-શરણમાં દીક્ષા અંગીકાર કરવા જઈ રહેલાં બાવીસ વર્ષનાં મુમુક્ષુ યશ્વી જલ્પા નીલેશ મહેતાનો દીક્ષા આજ્ઞા અર્પણ અવસર આવતી કાલે રવિવારે ૧૯ જુલાઈએ સવારે ૯ વાગ્યે ઘાટકોપર ખાતે યોજાશે. આ પાવન અવસરે પૂજનીય સંત-સતીજીઓ, વિવિધ શ્રીસંઘોના આગેવાનો, શ્રેષ્ઠીવર્યો, મહાનુભાવો તથા ધર્મપ્રેમી ભાવિકોની પાવન ઉપસ્થિતિ રહેશે.
પંચમકાળમાં દીક્ષા અંગીકાર કરનારા આત્માઓ અત્યંત વિરલ હોય છે. એવા સમયમાં એક યુવા આત્મા સંસારનો ત્યાગ કરીને આત્મકલ્યાણના પંથે આગળ વધવાનો મહાસંકલ્પ કરે અને તેનાં માતા-પિતા પણ સહર્ષ એ સંકલ્પમાં પોતાની મંજૂરી અર્પણ કરે એવો પ્રસંગ સમગ્ર જૈનશાસન અને સમાજ માટે અનુમોદનાનો અને પ્રેરણાનો પાવન અવસર બની રહે છે.
આ પાવન પ્રસંગે પરમ ગુરુદેવના દિવ્ય મંત્રધ્વનિની સાક્ષીએ દીક્ષા આજ્ઞાપત્ર અર્પણની ભાવસભર વિધિ યોજાશે, જેમાં મુમુક્ષુ યશ્વીબહેનનાં માતા-પિતા પોતાની સહર્ષ સંમતિ વ્યક્ત કરીને દીક્ષા આજ્ઞાપત્ર પર આલેખન કરશે અને એને પરમ ગુરુદેવના પાવન હસ્તકમળમાં અર્પણ કરશે.
સર્વ ધર્મપ્રેમી ભાવિકોને આ વિરલ અને ભાવવિભોર કરી દેનારા અવસરના સાક્ષી બનવા ભાનુશાલી બૅન્ક્વેટ, તિલક રોડ, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે ઉપસ્થિત રહેવા પારસધામ, ઘાટકોપર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.