11 February, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટની જીવદયા લેનમાં આવેલા એક બિલ્ડિંગમાં રહેતી ૩૮ વર્ષની એક ગુજરાતી મહિલાના ઘરમાંથી અજાણી વ્યક્તિએ ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોર્યા હોવાની ફરિયાદ ગઈ કાલે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. મહિલાએ ઘરની સાફસફાઈ માટે ઑનલાઇન પ્લૅટફૉર્મ પરની એક ઍપ્લિકેશન મારફત મહિલાનેને ઘરે બોલાવી હતી. કામ કરવા આવેલી મહિલા દાગીના તફડાવી ગઈ હોવાનો આરોપ ફરિયાદી મહિલાએ કર્યો છે. આ મામલે પોલીસે સંબંધિત હાઉસહેલ્પ સંદર્ભની માહિતી ભેગી કરી તપાસ હાથ ધરી છે.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર કૈલાસ તિર્મરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મહિલા છેલ્લા બે મહિનાથી પતિ, સાસુ અને સસરા સાથે જીવદયા લેનમાં એક બિલ્ડિંગમાં રહે છે. ૪ ફેબ્રુઆરીએ તેણે સોનાના દાગીના ડ્રૉઅરમાં મૂક્યા હતા અને ૮ ફેબ્રુઆરીએ સાંજે પતિ સાથે મૂવી જોવા જવા માટે દાગીના પહેરવા માટે ડ્રૉઅર ખોલતાં એમાંથી સોનાની બંગડી, વીંટી અને ડાયમન્ડ મળીને સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાયું હતું. આ સમયગાળા દરમ્યાન તેમના ઘરમાં ઑનલાઇન પ્લૅટફૉર્મ મારફત બે મહિલાઓ ઘરકામ માટે આવી હતી. અંતે બન્નેમાંથી કોઈક મહિલાએ ચોરી કરી હોવાના આરોપ સાથે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં અમે વધુ તપાસ હાથ ધરી છે.’