04 April, 2026 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઘાટકોપર-વેસ્ટના ચિરાગનગરમાં રહેતા બાવીસ વર્ષના ગુજરાતી યુવકે ફોટોશૉપની મદદથી બોગસ રેલવે પાસ તૈયાર કર્યો હતો. વિક્રોલી રેલવે-સ્ટેશને ગુરુવારે સાંજે ટિકિટ ચેકિંગ દરમ્યાન ટિકિટ ચેકર (TC)એ તપાસ કરતાં યુવક પકડાઈ ગયા બાદ તેની સામે કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં ફરિયાદ નોંધવામાં આવી છે. માત્ર ૨૦ રૂપિયા બચાવવાના પ્રયાસમાં યુવકે હવે હજારો રૂપિયાનો દંડ ભરવો પડશે અને કાનૂની કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે.
કુર્લા GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેમાં ટિકિટ ઇન્સ્પેક્ટર હર્ષદ વાડેકર ગુરુવારે સાંજે વિક્રોલી સ્ટેશને ડ્યુટી પર હતા એ વખતે સાંજે ૭ વાગ્યે પ્લૅટફૉર્મ-નંબર એક પર આવેલી થાણે લોકલમાંથી ઊતરેલા પ્રવાસીઓની ટિકિટ ચેક કરતા હતા એ દરમ્યાન યુવકે UTS ઍપ પરથી કાઢેલો રેલવે-પાસ મોબાઇલમાં દેખાડ્યો હતો. પાસમાં દર્શાવેલો નંબર ૯ આંકડાનો હતો જ્યારે સામાન્ય રીતે પાસમાં ૮ આંકડા હોય છે. એ ઉપરાંત પાસની સાઇઝ પણ સામાન્ય કરતાં મોટી હોવાથી TCને શંકા ગઈ હતી. એ પછી TCએ પાસનો ફોટો પોતાના વિભાગના વૉટ્સઍપ-ગ્રુપમાં મોકલીને ચકાસણી કરી ત્યારે સિનિયર કમર્શિયલ કન્ટ્રોલ અધિકારીએ પાસ બોગસ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યાર બાદ યુવકને અમારી સમક્ષ રજૂ કરવામાં આવતાં પૂછપરછ દરમ્યાન તેણે સ્વીકાર્યું હતું કે આ પાસ તેણે ફોટોશૉપથી તૈયાર કર્યો હતો. એ પછી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’