04 May, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેસ્ટર્ન રેલવેના ટ્રૅક પર ત્રણ વિશાળ ગર્ડર લૉન્ચ કરવાનું જટિલ કામ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા મેટ્રો-6 માટે વેસ્ટર્ન રેલવેના ટ્રૅક પર ત્રણ વિશાળ ગર્ડર લૉન્ચ કરવાનું જટિલ કામ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે. ગઈ કાલે જોગેશ્વરી અને રામ મંદિર સ્ટેશન વચ્ચે અત્યંત જોખમી ગણાતી આ કામગીરી નિર્ધારિત સમય કરતાં ૩૦ મિનિટ વહેલી પૂરી કરવામાં આવી હતી. લોખંડવાલાથી વિક્રોલીને જોડતા ઈસ્ટ-વેસ્ટ કૉરિડોર માટે આ એક મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે. ચાલુ રેલવેવ્યવહાર વચ્ચે ગર્ડર-લૉન્ચિંગનું કામ સૌથી પડકારજનક હતું. દસ કલાકનો ટ્રાફિક અને પાવર બ્લૉક તથા ત્રણ કલાકનો રેલવે બ્લૉક રાખવામાં આવ્યો હતો. ભારે મશીનરી અને ક્રેનની મદદથી રેલવે-ટ્રૅક પર આ મહાકાય માળખાં ગોઠવવામાં આવ્યાં હતાં. મેટ્રો લાઇન-6 કાર્યરત થવાથી ઈસ્ટ-વેસ્ટનાં સબર્બ્સ વચ્ચેની કનેક્ટિવિટી વધશે અને લાખો પ્રવાસીઓનો મુસાફરીનો સમય ઘટશે. સિવિલ વર્કનો મોટો ભાગ પૂરો થતાં હવે આ મેટ્રોલાઇનનું કામ ઝડપથી પૂરું થશે.