✕

ગિરગામનો ગુજરાતી વેપારી ફસાયો સેક્સ્ટૉર્શનની જાળમાં

05 October, 2026 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનો નગ્ન વિડિયો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને ૩.૫૦ લાખ રૂપિયાની માગણી કરી

પ્રતીકાત્મક તસવીર

ગિરગામ વિસ્તારમાં રહેતો અને મેટલનો વેપાર કરતો ૪૭ વર્ષનો ગુજરાતી વેપારી સેક્સ્ટૉર્શનનો ભોગ બન્યો છે. ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા અકાઉન્ટ પરથી દોસ્તી કર્યા બાદ નગ્ન વિડિયો-કૉલ કરીને મહિલાએ એનું સ્ક્રીન રેકૉર્ડિંગ કરી લીધું હતું. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપીને મહિલાએ વેપારી પાસે ૩.૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. આ મામલે વેપારીએ વી. પી. રોડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે સોશ્યલ મીડિયા અકાઉન્ટની વધુ માહિતી કાઢીને તપાસ શરૂ કરી છે.
વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑગસ્ટ મહિનામાં વેપારીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અક્ષિતા દેવાશી નામની મહિલાનો મેસેજ આવ્યો હતો. બન્ને વચ્ચે વાતચીત શરૂ થતાં દોસ્તી થઈ હતી. ત્યારે બાદ આ મહિલા-ફ્રેન્ડે વેપારીને તેની અન્ય એક ફ્રેન્ડ યુવતી સાથે વાત કરવાનો આગ્રહ કર્યો હતો. શરૂઆતમાં ના પાડ્યા બાદ વેપારીએ તે યુવતીને મેસેજ કર્યો હતો અને બન્ને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ હતી. દરમ્યાન, સોમવારે રાત્રે આશરે ૧૧ વાગ્યે આ નવી ફ્રેન્ડ બનેલી યુવતીએ વેપારીને વિડિયો-કૉલ કર્યો હતો. વિડિયો-કૉલ ઉપાડતાં જ સામે રહેલી મહિલા નગ્ન અવસ્થામાં જોવા મળી હતી. મહિલાના દબાણમાં આવીને અને નશાની હાલતમાં વેપારીએ પણ પોતાનાં કપડાં ઉતારી દીધાં હતાં. આ કૉલ આશરે બે મિનિટ સુધી ચાલ્યો હતો અને એ સમયે મહિલાએ વેપારીની જાણ બહાર સમગ્ર વિડિયો-કૉલનું સ્ક્રીન-રેકૉર્ડિંગ કરી લીધું હતું. ત્યાર બાદ મંગળવારે બપોરે વેપારી પોતાની દુકાને હતો ત્યારે એક યુવાને તેને ફોન કરીને ધમકી આપી હતી કે તમારો વિડિયો મારી પાસે છે, તમે જેની સાથે વાત કરી તે મારી બહેન છે, જો તમે ૩.૫૦ લાખ રૂપિયા નહીં આપો તો હું આ વિડિયો વાઇરલ કરીને તમને બદનામ કરી દઈશ. આટલું કહીને તેણે રેકૉર્ડ કરેલો વિડિયો વેપારીને મોકલ્યો હતો. પૈસા માટે સતત ટેક્સ્ટ-મેસેજ અને બ્લૅકમેઇલિંગ વધતાં આખરે વેપારીએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

mumbai news mumbai girgaon Crime News mumbai crime news mumbai police