11 May, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ભાઈંદરના મીરા ગાવઠણ વિસ્તારમાંથી જાતીય સતામણીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બસ-સ્ટૉપ પર બસની રાહ જોઈ રહેલી એક છોકરીની એક યુવકે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના નજીકની હોટેલના CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી.
આરોપી બસ-સ્ટૉપ પર ઊભી રહેલી છોકરી તરફ અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે તેણે કથિત રીતે તેની પાસે જઈને પૂછ્યું કે ‘તારો રેટ શું છે?’ આવું બનતાં જ છોકરી ગભરાઈ ગઈ અને તરત જ પોતાને બચાવવા માટે નજીકની હોટેલમાં દોડી ગઈ હતી. ભરચક વિસ્તારમાં આ ઘટનાને લીધે તંગદિલી વ્યાપી ગઈ હતી.
છેડતીની માહિતી મળતાં શિવસેનાના સ્થાનિક શાખાપ્રમુખ અજય સાળવે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે આરોપીને માર માર્યો હોવાનો અહેવાલ છે. આરોપીને જાહેર અપમાન અને સજાના રૂપમાં ઊઠક-બેઠક કરવા માટે પણ ફરજ પાડવામાં આવી હતી.
સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક હસ્તક્ષેપથી સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ આ ઘટનાએ મીરા-ભાઈંદરમાં જાહેર સ્થળોએ મહિલાઓની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ફરી ઊભી કરી છે. રહેવાસીઓ બસ-સ્ટૉપ અને જાહેર ચોક પર કડક પોલીસ-પૅટ્રોલિંગની માગણી કરી રહ્યા છે. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને આ બાબતની વધુ તપાસ શરૂ કરી છે.