ઘાટકોપરની BMCની સ્કૂલમાં મધ્યાહ્‌ન ભોજનમાં વિદ્યાર્થીના મોંમાં આવ્યો કાચ

01 August, 2026 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે BMCના વિરોધ પક્ષનાં નગરસેવિકા કિશોરી પેડણેકરે સ્કૂલની મુલાકાત લઈને મહિલા મંડળ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી હતી

BMC સંચાલિત સ્કૂલમાં આ ગંભીર બેદરકારી સામે આવી છે

ઘાટકોપર-ઈસ્ટના પંતનગર પોલીસ-સ્ટેશન નજીક BMC સંચાલિત પ્રાઇમરી હિન્દી સ્કૂલમાં ગુરુવારે બપોરે પીરસવામાં આવેલા મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન)માંથી કાચના નાના ટુકડા મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. એક તરફ રાજ્યનું ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ સ્કૂલની કૅન્ટીન સહિત અનેક ભોજનાલયો સામે ઝુંબેશ ચલાવી રહ્યું છે ત્યારે BMC સંચાલિત સ્કૂલમાં આ ગંભીર બેદરકારી સામે આવી છે. સ્થાનિક મહિલા બચત જૂથ શ્રુતિ મહિલા સંસ્થા દ્વારા આ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અગાઉ એપ્રિલ અને મે મહિનામાં પણ ભોજનની ગુણવત્તા વિશે ફરિયાદો કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગઈ કાલે BMCના વિરોધ પક્ષનાં નગરસેવિકા કિશોરી પેડણેકરે સ્કૂલની મુલાકાત લઈને મહિલા મંડળ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

શું ઘટના બની હતી?

BMC સંચાલિત પ્રાઇમરી હિન્દી સ્કૂલનાં પ્રિન્સિપાલ કુસુમ યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે સાડાબાર વાગ્યે સ્કૂલનાં તમામ બાળકોને મિડ-ડે મીલ આપવામાં આવ્યું હતું. ત્યારે ખોરાકમાં આપવામાં આવેલી ખીચડી ખાતી વખતે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના દાંત વચ્ચે કાચનો ટુકડો આવતાં તેણે હાજર શિક્ષકને જાણ કરી હતી એટલે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ બનતાં જ શિક્ષકોએ ત્વરિત અને સાવચેતીભર્યું પગલું ભરીને તમામ વિદ્યાર્થીઓને ભોજન ખાવાનું બંધ કરવાની સૂચના આપી હતી, જેથી કોઈ બાળક ઈજાગ્રસ્ત ન થાય. આ મામલે અમે શિક્ષણ વિભાગના સિનિયર અધિકારીઓને પણ સૂચના આપી છે. આ પહેલાં એપ્રિલ અને મે મહિનામાં પણ ખોરાકની ગુણવત્તા વિશે ફરિયાદો મળી હતી. ત્યારે પણ અમે બચત જૂથ શ્રુતિ મહિલા સંસ્થાને સુધારો કરવા સૂચના આપી હતી.’

શું કહેવું છે શિક્ષણ વિભાગનું?

BMCના N વૉર્ડનાં શિક્ષણ-અધિકારી વીણા સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિન્સિપાલ તરફથી મને હજી સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ મળ્યો નથી. આ મામલે મેં તપાસનો આદેશ આપ્યો છે. તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે અને જો તપાસમાં બેદરકારી સાબિત થશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં અમે ભોજન આપતી સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે વધુ સાવચેતી રાખવાનો આદેશ આપ્યો છે.’

કિશોરી પેડણેકરનું શું કહેવું છે?

BMCના વિરોધ પક્ષનાં નગરસેવિકા કિશોરી પેડણેકરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આ ઘટના વિશે મેં FDAના કમિશનર તુકારામ મુઢેંને ફોન કરીને ફરિયાદ કરી છે. આ ઘટના સ્કૂલના જે શિક્ષકે સામે લાવી તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પણ સામે આવી છે. આ વિશે મેં BMCના શિક્ષણ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરીને તાત્કાલિક ભોજન આપતી સંસ્થા પાસેથી ભોજન લેવાનું બંધ કરવાની માગણી કરી છે.’

ghatkopar Education brihanmumbai municipal corporation mumbai mumbai news