ચાલુ ટ્રેનમાંથી પુણેના જૈન પરિવારની ૧૩ લાખની સોના-ચાંદીની માલમતા સાફ

25 June, 2026 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૪ વર્ષનાં મહિલા દાગીના ભરેલું પર્સ માથા પાસે રાખીને સૂતાં હતાં, ઊઠ્યાં ત્યારે ગાયબ હતું

પ્રતીકાત્મક તસવીર

ચાલુ ટ્રેનમાં પ્રવાસીઓની નજર ચૂકવીને કીમતી સામાનની ચોરી કરતી ગૅન્ગનો આતંક સતત વધી રહ્યો છે, જેનો ભોગ તાજેતરમાં પુણેના કોથરુડ વિસ્તારનો એક મારવાડી જૈન પરિવાર બન્યો છે. ઇન્દોર-દૌંડ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા આ પરિવારને નિશાન બનાવીને અજ્ઞાત ચોરોએ કર્જત રેલવે-સ્ટેશન નજીકથી આશરે ૧૩ લાખ રૂપિયાની કીમતી માલમતા સેરવી લીધી હતી. આ મામલે કોથરુડમાં રહેતાં ૫૪ વર્ષનાં મહિલાની ફરિયાદના આધારે ગઈ કાલે કર્જત ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ હાઈ-પ્રોફાઇલ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ સહિત GRPની ક્રાઇમ બ્રાન્ચ પણ સંયુક્ત તપાસમાં જોડાઈ છે.

કર્જત GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલા બાવીસમી જૂને પોતાનાં પુત્ર, પુત્રવધૂ અને નાની પૌત્રી સાથે પુણેથી ઇન્દોરની મુસાફરી કરવા ઇન્દોર-દૌંડ એક્સપ્રેસના AC કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં. રાત્રે પ્રવાસ દરમ્યાન તેઓ પોતાના દાગીના અને કીમતી સામાન ભરેલું પર્સ માથાની નજીક રાખીને મિડલ બર્થ પર સૂઈ ગયાં હતાં. સવારે છ વાગ્યે મોબાઇલ અલાર્મ બંધ કર્યા બાદ તેઓ ફરી સૂઈ ગયા હતા. ત્યાર બાદ પોણાસાત વાગ્યે  તેઓ વૉશરૂમ જવા માટે ઊઠ્યાં ત્યારે તેમના માથા પાસે રાખેલું પર્સ ગાયબ હતું. એ સમયે ટ્રેન કર્જત રેલવે-સ્ટેશન પર ઊભી હતી એટલે ચોરોએ તેમની ઊંઘનો ફાયદો ઉઠાવીને આ ચોરીને અંજામ આપ્યો હોવાની ખાતરી થઈ હતી. ચોરી થયેલા ક્રીમ રંગના પર્સમાં અંદાજે ૮ લાખ રૂપિયાના સોના તથા ડાયમન્ડના પાંચ અલગ-અલગ નેકલેસ, ૩ લાખ રૂપિયાનું સોનાનું કડું અને એક લાખ રૂપિયાની કિંમતની સોના-ડાયમન્ડની બે જોડી કાનની બુટ્ટીઓ સહિત કુલ ૧૧૮ ગ્રામ જેટલા સોનાના દાગીના હતા. આ ઉપરાંત એક લાખ રૂપિયાની કિંમતનો સૅમસંગ ફોલ્ડ મોબાઇલ એમ આશરે ૧૩ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી છે. આ કેસમાં અમે આરોપીની શોધ ચલાવી રહ્યા છે.’ 

mumbai news mumbai jain community Crime News mumbai crime news karjat