08 October, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પવઈના હીરાનંદાની ગાર્ડન્સ સ્થિત એક સોસાયટીના ૧૭મા માળે રહેતા એક ગુજરાતી પરિવારના ઘરમાંથી ૨૭.૩૦ લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હોવાની ફરિયાદ ગઈ કાલે પવઈ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. મૂળ ગુજરાતના કચ્છની વતની અને હાલ પવઈ ખાતે રહેતી મહિલાએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેમના કબાટના ખાનામાં રાખેલા ૭ લાખ રોકડા તેમ જ ૨૦ તોલા સોનાના સિક્કા, બંગડીઓ, ચેઇન અને મંગળસૂત્ર સહિત કુલ ૨૯ તોલા સોનાના કીમતી દાગીના ગાયબ થઈ ગયા છે. આ કેસમાં પોલીસે ઘરમાં કામ કરતી નોકરાણી સહિત સોસાયટીમાં નોકરી કરતા નોકરો વિશે તપાસ કરવાની શરૂઆત કરી છે.
પવઈ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આત્માજી સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલાનો જન્મદિવસ હોવાથી પરિવાર ૨૯ ઑગસ્ટે ભંડારદરા ફરવા ગયો હતો અને ૩૦ ઑગસ્ટે પરત ફર્યો હતો. ત્યાર બાદ ૧૫ સપ્ટેમ્બરે પરિવાર બહાર જમવા જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે કબાટ ખોલતાં તમામ રોકડ રકમ અને દાગીના ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. આ કેસમાં એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ૧૬ સપ્ટેમ્બરે ઘરનું બાથરૂમ ચોક-અપ થઈ ગયું હતું. ઘરમાં રસોઈ કામ કરતી મહિલાએ બાથરૂમના આઉટલેટમાં તપાસ કરતાં ત્યાંથી ૧૦ ગ્રામ સોનાના સિક્કાનાં ખાલી ૩ પૅકેટ મળી આવ્યાં હતાં. ઘરમાં ૨૪ કલાક કામ કરતી મહિલા, અગાઉ સોશ્યલ મીડિયા પર વિડિયો બનાવવાની કુટેવને કારણે કામ પરથી કાઢી મુકાયેલી અને જેની પાસે ઘરની ચાવી રહી ગઈ હતી તે મહિલા તેમ જ રસોઈકામ કરતી મહિલા સહિતની તમામ મહિલાઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે તેમ જ ટેક્નિકલ તપાસ ચાલી રહી છે.’