✕

વિલે પાર્લેના ગુજરાતી પરિવારના ફ્લૅટમાંથી ૯.૮૦ લાખના સોનાના દાગીનાની ચોરી

10 November, 2026 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસમાં પોલીસે ઘરમાં કામ કરતી ચાર હાઉસહેલ્પ મહિલાઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી એના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર

વિલે પાર્લે-વેસ્ટના બજાજ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતાં ૬૫ વર્ષનાં ગુજરાતી ગૃહિણીના ઘરમાંથી ૯,૮૦,૦૦૦ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ ગઈ કાલે જુહુ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ગુજરાતી ગૃહિણી દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ આ ચોરી ૬ નવેમ્બરની રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી ૭ નવેમ્બરની સાંજે ૭.૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન થઈ હતી અને આ કેસમાં પોલીસે ઘરમાં કામ કરતી ચાર હાઉસહેલ્પ મહિલાઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી એના આધારે તપાસ હાથ ધરી છે.

જુહુ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતી ગૃહિણી પોતાના પરિવાર સાથે દીકરી તથા બોરીવલી ખાતે સગાં-સંબંધીઓને મળવા ગયાં હતાં અને પરત આવ્યા બાદ કબાટનું ડ્રૉઅર તપાસતાં સોનાના દાગીના ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું, જેમાં ૨૦ ગ્રામ વજનના સોનાના પાટલા, ચાર સોનાની બંગડી અને છ સોનાની અંગૂઠીઓ સહિત કુલ ૯,૮૦,૦૦૦ રૂપિયાની મિલકત ચોરાઈ હોવાનું આંકવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારે ઘરમાં તપાસ કરી પત્તો ન લાગતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ઘરમાં નિયમિત કામ કરતી ચાર હાઉસહેલ્પ મહિલાઓ પૈકી કોઈની સંડોવણી છે કે કેમ એ દિશામાં તથા આસપાસનાં CCTV ફુટેજ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે ગુનો નોંધી ચોરને પકડી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.’

mumbai news mumbai vile parle juhu mumbai crime news Crime News mumbai police