25 January, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીટ ગ્રાઇન્ડરમાંથી ૧.૮૧૫ કિલો સોનાના ૩૨ ટુકડા મળી આવ્યા હતા.
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ રિયાધથી કુરિયર કરાયેલા કન્સાઇનમેન્ટમાં મીટ (માંસ)ના ગ્રાઇન્ડરમાં છુપાયેલું ૨.૮૯ કરોડ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કર્યું છે. અધિકારીઓને મળેલી બાતમી મુજબ કાર્યવાહી કરતાં DRIની મુંબઈ ઝોનલ ટીમે એક કન્સાઇનમેન્ટની તપાસ કરી હતી. કન્સાઇનમેન્ટમાં મીટ ગ્રાઇન્ડર હોવાનું જણાતાં મશીનને તોડવામાં આવ્યું તો એમાંથી સોનાના ૩૨ ટુકડા મળી આવ્યા હતા. કસ્ટમ્સ ઍક્ટ હેઠળ કુલ ૨.૮૯ કરોડ રૂપિયાનું ૧.૮૧૫ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. DRIએ આ કેસમાં બે વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીઓ રિયાધથી આવેલા કન્સાઇનમેન્ટને રિસીવ કરીને એને કસ્ટમ્સમાંથી ક્લિયર કરાવવાનું કામ કરવામાં સંડોવાયેલા હતા. આરોપીઓએ ટર્મિનલમાંથી દાણચોરી કરાયેલા સોનાને ક્લિયર કરવા માટે એક ચોક્કસ પેઢીના નો યૉર કસ્ટમર (KYC) દસ્તાવેજોની વ્યવસ્થા પણ કરી હતી.