18 October, 2025 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી મુંબઈ એરપોર્ટની ફાઇલ તસવીર
મુંબઈ ઍરપોર્ટ અને નવી મુંબઈ ઍરપોર્ટને જોડતી મેટ્રો 8 માટેનો પ્લાન તૈયાર થઈ ગયો હોવાના અહેવાલ આવ્યા છે. સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા મેટ્રોની આ ગોલ્ડન લાઇન માટેનો ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) સત્તાવાર રીતે રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે. આ DPR મૂલ્યાંકન અને મંજૂરી માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે.
કૅબિનેટની આગામી બેઠકમાં ચર્ચા માટે આ પ્રસ્તાવ રજૂ થઈ શકે એમ છે. મહારાષ્ટ્ર સરકાર મંજૂરી આપી દે એ પછી આ પ્રોજેક્ટ નાણાકીય ચકાસણી માટે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (PIB) પાસે જશે. ત્યાર બાદ ફાઇનલ અપ્રૂવલ યુનિયન કૅબિનેટ તરફથી આપવામાં આવશે અને એ પછી બાંધકામની કામગીરી શરૂ થઈ જશે.
પ્રસ્તાવિત મેટ્રો 8 ગોલ્ડન લાઇન કુલ ૩૪.૮૯ કિલોમીટર પર દોડશે. આ લાઇન પર ૨૦ સ્ટેશન હશે, જેમાંથી ૧૪ એલિવેટેડ અને ૬ અન્ડરગ્રાઉન્ડ રહેશે. આ લાઇન મુંબઈ ઍરપોર્ટ અને નવી મુંબઈ ઍરપોર્ટ વચ્ચેના મુસાફરીના સમયને ૧.૫ કલાકથી ઘટાડીને ફક્ત ૪૦-૪૫ મિનિટનો કરી દેશે.
આ કૉરિડોરને મુંબઈના ટ્રાન્સપોર્ટ નેટવર્ક માટે ગેમચેન્જર ગણવામાં આવે છે, જેનાથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને સાયન-પનવેલ હાઇવે જેવા મેઇન રોડ પર ટ્રાફિક પણ ઓછો થશે.