ખાડાઓને ગુડબાય?

10 May, 2022 07:43 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

એમએમઆરડીએની મુંબઈના રસ્તાઓ માટેની ૯૦૦ કરોડ રૂપિયાની યોજના પરથી લાગે છે તો એવું જ : ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને સિમેન્ટ કૉન્ક્રીટના બનાવાશે

દહિસરમાં ખાડાવાળા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની ગયા ચોમાસાની તસવીર. સતેજ શિંદે

એમએમઆરડીએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ઇઇએચ) અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ડબ્લ્યુઇએચ) પર ખાડાની સમસ્યાનું કાયમી નિવારણ કરવાના હેતુ સાથેના પ્રોજેક્ટમાં ૯૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. તેઓ શહેરના બે મુખ્ય રૂટને સિમેન્ટ કૉન્ક્રીટના બનાવવા ઇચ્છે છે.
મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ ઇપીસી (એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન અને પ્રોક્યોરમેન્ટ) પદ્ધતિથી વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે પર કામ કરવા માટે ટેન્ડર્સ મગાવ્યાં છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે માટેનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ ૬૧૩.૩૬ કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સાયન જંક્શનથી થાણેના માજીવાડા પાસે આવેલા ગોલ્ડન ડાઇઝ જંક્શન સુધી કામ કરવા માટે પણ ટેન્ડર્સ મગાવવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૪૭૩ કરોડ રૂપિયા છે. 
દરેક પ્રોજેક્ટ માટેના કૉન્ટ્રૅક્ટરે ૩૦ મહિનાની અંદર કામ પૂરું કરવાનું રહેશે અને દસ વર્ષ સુધી રોડની જાળવણી કરવાની રહેશે, જેમાં ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડનો પણ સમાવેશ થશે.
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી રોજ ૫૦,૦૦૦ કરતાં વધુ વાહનો પસાર થાય છે અને ચોમાસામાં હાઇવેમાં ખાડા થઈ જાય છે. ઠેર-ઠેર ખાડા હોવાને કારણે ટ્રાફિક જૅમ થાય છે અને પ્રવાસીઓના સમય અને ઇંધણનો વ્યય થાય છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બાંદરા અને દહિસર વચ્ચેનું મહત્ત્વનું જોડાણ છે, જ્યારે ઈસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે સાયનથી થાણેને સાંકળે છે. બન્ને રોડ એમએમઆરડીએના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે અને એમના મેઇન્ટેનન્સ અને રિપેરિંગની જવાબદારી પણ એમએમઆરડીએની છે.
‘વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરનાર વાહનચાલકોને બહેતર પ્રવાસ પૂરો પાડવાના હેતુથી એમએમઆરડીએ અંદાજે ૯૨૩ કરોડ રૂપિયાના ખર્ચે બન્ને હાઇવેના સિમેન્ટ કૉન્ક્રીટાઇઝેશન (સીસી)ની કામગીરી હાથ ધરશે. આ માટેનાં ટેન્ડર્સ મગાવાયાં છે અને કામ શરૂ થાય ત્યારે ટ્રાફિક જૅમ ન થાય એની કાળજી લેવાશે,’ એમ એમએમઆરડીએના એક અધિકારીએ જણાવ્યું હતું.

30
આટલા મહિનામાં બંને હાઇવેના ક્રૉન્ક્રીટાઇઝેશનનું કામ પૂરું કરવાની યોજના છે.

Mumbai mumbai news ranjeet jadhav