✕

ગોરેગામમાં ૧૦ વર્ષની છોકરીએ પાડોશીની ૧૮ મહિનાની બાળકીને ડક્ટમાંથી નીચે ફગાવી દીધી

16 October, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોરેગામ-ઈસ્ટના નાગરી નિવારા કૉમ્પ્લેક્સના શિવશાહી બિલ્ડિંગમાં બુધવારે રાતે એક ચોંકાવનારી ઘટના બની હતી

પ્રતીકાત્મક તસવીર

ગોરેગામ-ઈસ્ટના નાગરી નિવારા કૉમ્પ્લેક્સના શિવશાહી બિલ્ડિંગમાં બુધવારે રાતે એક ચોંકાવનારી ઘટના બની હતી. ૧૦ વર્ષની એક છોકરીએ તેના પાડોશીની ૧૮ જ મહિનાની બાળકીને ડક્ટમાંથી નીચે ફગાવી દીધી હતી. આ ઘટનામાં ગંભીર ઈજા થતાં તે બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટના ફ્લોર પર લગાડેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. દિંડોશી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટની નોંધ કરી હતી. જોકે આ ઘટનામાં જીવ ગુમાવનારી બાળકીનાં માતા-પિતાએ ૧૦ વર્ષની છોકરીનાં માતા-પિતા સામે આક્ષેપ કર્યો હતો કે તેમણે ઘટના છુપાવવા બિલ્ડિંગના CCTV કૅમેરાના ઍન્ગલ ફેરવી નાખ્યા હતા. જોકે ત્યાર બાદ એ વિડિયો બહાર આવી ગયો હતો.  

મળતી માહિતી મુજબ તે છોકરી પાડોશીને ત્યાં બુધવારે રાતે બાળકી સાથે રમવા ગઈ હતી. ત્યાર બાદ તેણે બાળકીને રમાડતાં-રમાડતાં ઉપાડીને રાતે ૧૦.૩૦ વાગ્યે છઠ્ઠા માળના ડક્ટમાંથી નીચે ફગાવી દીધી હતી અને પછી દોડીને પોતાના ઘરે જતી રહી હતી. ત્યાર બાદ તે પૅસેજમાં સાઇકલ ચલાવવા માંડી હતી. દિંડોશી પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવું શા માટે કર્યું. પોલીસે તે છોકરી અને તેની મમ્મીને તાબામાં લઈને પૂછપરછ કરી હતી.

mumbai news mumbai goregaon Crime News mumbai crime news