22 October, 2025 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-વેસ્ટના સુભાષનગરમાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ચોરીની શંકાના આધારે રવિવારે મોડી રાતે ૪ મજૂરોએ ૨૬ વર્ષના હર્ષલ પરમાની મારઝૂડ કરીને હત્યા કરી હોવાની ફરિયાદ મળી હતી. આ મામલે ગોરેગામ પોલીસે હર્ષલની મમ્મી સુવર્ણા પરમાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને ૪ મજૂરોની ધરપકડ કરી હતી.
ગોરેગામ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં સુપરવાઇઝરનું સ્ટેટમેન્ટ મહત્ત્વનું છે, કારણ કે તેણે આખી ઘટના જોઈ હતી. બીજી તરફ મૃત્યુ પામેલા યુવાન પર આ પહેલાં પણ ચોરીના કેસો નોંધાઈ ચૂક્યા છે એટલે એવી શક્યતા છે કે તે ચોરીના ઇરાદે બિલ્ડિંગમાં ગયો હોય. આ કેસમાં આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.’
હર્ષલની મમ્મી સુવર્ણા પરમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે હર્ષલ મધરાતે ઘરેથી દારૂ પીવા જઈ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ તે રાત્રે પાછો ફર્યો નહોતો. બીજા દિવસે સવારે લગભગ ૧૧ વાગ્યે ગોરેગામ પોલીસ-સ્ટેશનના અધિકારીઓ મારા ઘરે આવ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે શનિવારે મધરાત બાદ ૩ વાગ્યાની આસપાસ નિર્માણધીન બિલ્ડિંગના વસંતકુમાર પ્રસાદ નામના એક મજૂરે હર્ષલને જોઈને ચોર-ચોરની બૂમો પાડી હતી. બૂમોને લીધે હર્ષલ ત્યાંથી ભાગવા ગયો હતો, પણ બીજા એક મજૂરે તેને પકડી લીધો હતો. ત્યાર બાદ એક મજૂરે હર્ષલને વાંસની લાકડીથી માર માર્યો હતો, જ્યારે બીજા એકે તેને લાતો અને મુક્કા માર્યાં હતાં. બીજા બે મજૂરોએ પણ હર્ષલને ખૂબ માર માર્યો હતો. એ સમયે સુપરવાઇઝર દ્વારા હર્ષલને બચાવવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે ચારે મજૂરોએ તેને ખૂબ જ માર માર્યો હતો અને ઘાયલ હર્ષલને પાર્કિંગ વિસ્તારમાં છોડી દીધો હતો. તેના પર બીજા લોકોની નજર પડતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હોવાની માહિતી મને પોલીસ આપી હતી.’
ચોરી માત્ર ઉપરછલ્લું કારણ છે, પણ મારા દીકરાની બીજા કોઈ કારણે હત્યા કરવામાં આવી છે એમ જણાવતાં સુવર્ણા પરમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો દીકરો પહેલાં ચોરી કરતો હતો. જોકે છેલ્લા એક વર્ષથી તેણે બધું છોડી દીધું હતું અને એક સારી લાઇફ વિતાવી રહ્યો હતો. તે નોકરી પણ શોધી રહ્યો હતો. આ મામલે કોઈકને બચાવવા માટે પોલીસ ખોટી સ્ટોરી બનાવી રહી હોવાનું મને લાગે છે.’