NEET-UGની પરીક્ષામાં કંઈ કાચું ન કપાય એ માટે ઇન્ડિયન ઍર ફોર્સની મદદ લેવાની સરકારની વિચારણા

29 May, 2026 07:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ માટે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હોવાનું પણ કહેવાય છે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર દ્વારા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની ફરીથી લેવામાં આવનારી પરીક્ષામાં કંઈ કાચું ન કપાય અને વ્યવસ્થિત રીતે પરીક્ષા લેવાય એ માટે હવે ઇન્ડિયન ઍર ફોર્સની મદદ લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ૩ જૂને થનારી પરીક્ષા પેપર લીક થઈ જવાને કારણે રદ કરીને હવે ૨૧ જૂને યોજાશે ત્યારે પેપર-લીક કે અન્ય કોઈ બીજી સમસ્યા ન ઊભી થાય એની ખાતરી કરવા માટે ઇન્ડિયન ઍર ફોર્સની સહાય લઈ શકાય. આ માટે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હોવાનું પણ કહેવાય છે.

૪૦ મિનિટ સુધી ચાલેલી બેઠકમાં અન્ય પ્રધાનો અને NTAના અધિકારીઓ પણ 
અહેવાલો મુજબ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહના નિવાસસ્થાને થયેલી બેઠક લગભગ ૪૦ મિનિટ સુધી ચાલી હતી, જેમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપરાંત નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના અધિકારીઓ પણ સામેલ હતા. બેઠકમાં NEET-UGના એક્ઝામ સેન્ટરમાં સુરક્ષા, પેપર ટ્રાન્સપોર્ટેશન વગેરે બાબતે ચર્ચા થઈ હતી. 

ઇન્ડિયન ઍર ફોર્સ ક્વેશ્ચન પેપર ટ્રાન્સપોર્ટ કરશે?
બેઠકમાં સુર​​િક્ષત રીતે કઈ રીતે ક્વેશ્ચન પેપરને એક્ઝામ સેન્ટર સુધી પહોંચાડાય એ વિશે પણ ચર્ચા થઈ હતી અને મળેલી માહિતી અનુસાર પોસ્ટલ સર્વિસિસને બદલે ઇન્ડિયન ઍરફોર્સની મદદ લેવામાં આવે એ વિશે વિચારણા થઈ હતી. જોકે આ વિશે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

national news india indian government neet exam indian air force rajnath singh