12 December, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબુલનાથ મંદિર
બાબુલનાથ મંદિરની ૨૦૧૨થી પેન્ડિંગ લીઝને ગઈ કાલે રાજ્યની કૅબિનેટે એક રૂપિયાના વાર્ષિક ભાડામાં ૩૦ વર્ષ માટે રિન્યુ કરવાનો નિર્ણય લીધો હતો. મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળે પાસે લીઝને રિન્યુ કરવાની માગણી કરી હતી. ૭૧૮.૨૩ ચોરસ મીટર વિસ્તાર શ્રી બાબુલનાથ મંદિર ચૅરિટીઝ ટ્રસ્ટ પાસે ૧૯૦૧ની ૨૮ નવેમ્બરથી ભાડા પર છે.
બાબુલનાથ મંદિર પ્રાચીન પૂજાસ્થળ છે અને લાખો મુંબઈકરોની લાગણીઓ અને શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે એમ જણાવતાં મિહિર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઐતિહાસિક મંદિરની લીઝ ૨૦૧૨થી રિન્યુ કરવામાં આવી નહોતી એટલે મે મહિનામાં મેં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેને પત્ર લખીને ૨૦૧૨થી પેન્ડિંગ લીઝને રિન્યુ કરવાની માગણી કરી હતી. આ માટે સતત પત્રવ્યવહાર કરીને હું વાર્ષિક એક રૂપિયાના ભાડા સાથે લીઝ રિન્યુ કરવાની મંજૂરી માગી રહ્યો હતો. રાજ્યની કૅબિનેટે લીધેલા નિર્ણયથી મોટી સંખ્યામાં ભક્તોને રાહત થઈ છે. આ મામલે કલેક્ટર અને જિલ્લા મૅજિસ્ટ્રેટ-મુંબઈ શહેરના આદેશ મુજબ ઉપરોક્ત મિલકત પર એક રૂપિયાનું ભાડું વસૂલ કરવા અને એનું નવીનીકરણ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે.’