21 September, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજ્ય ગુરુભગવંતો અને સાધ્વીભગવંતોની નિશ્રામાં પરમાત્માની ભવ્ય રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.
પર્યુષણ પર્વ થયા બાદ ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યે પરમાત્માની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં જૈન સંઘોના આશરે ૧૨૫ સિદ્ધિતપ તપસ્વીઓની સાથે અન્ય તપ કરનાર તપસ્વીઓની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને શ્રી સુવિધિનાથ દેરાસર, શ્રી પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજીપ્રભુ ચોક, શ્રી શાંતિનાથ દેરાસર, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂરી થઈ હતી. વિન્ટેજ કાર, પરમાત્માના પાવન રથો, અનુકંપા ગાડી, અનેક ભવ્ય રથો અને વિવિધ બૅન્ડ સાથેની આ ભવ્ય રથયાત્રામાં સમસ્ત ડોમ્બિવલીમાં બિરાજમાન પૂજ્ય ગુરુભગવંતો તથા પૂજ્ય સાધ્વીભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે અને હજારો જૈન ભાવિકો જોડાયા હતા. રથયાત્રા પૂરી થયા બાદ સકળ સંઘ માટે ૪ વિવિધ સંઘોમાં સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.