04 May, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવે દ્વારા લોકલ ટ્રેનનાં સ્ટેશનોની બહાર રેલવેની માલિકીની જગ્યાએ કરિયાણાની દુકાનો શરૂ કરવામાં આવશે. રેલવે દ્વારા ભાડાં સિવાયની આવક વધારવા માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને પગલે પ્રવાસીઓને કરિયાણું ખરીદવાની સુવિધા મળશે, પરંતુ આ નિર્ણયને કારણે સ્ટેશન-પરિસરમાં ભીડ વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે.
પ્રાથમિક તબક્કે આ યોજના માટે ત્રણ સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે જેમાં મેઇન લાઇન પર આવેલા છેવાડાનાં સ્ટેશનો કસારા અને વાશિંદ તથા હાર્બર લાઇન પરના માનખુર્દ સ્ટેશનનો સમાવેશ છે. એ માટે સેન્ટ્રલ રેલવેએ ટેન્ડર-પ્રક્રિયા શરૂ કરી છે.
રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ અત્યારે સ્ટેશન-પરિસરમાં આવેલા સ્ટૉલ પર પૅકેજ્ડ સ્નૅક્સ, પાણી, દવા અને ગરમ નાસ્તો વેચાય છે. હવે તૈયાર થનારા ૧૪૦થી ૧૫૦ ચોરસ ફુટનાં આ નવાં આઉટલેટ્સ પર અનાજ, કઠોળ, મસાલા અને ખાદ્ય તેલ જેવી દૈનિક જીવનની આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધાથી પ્રવાસીઓ ઘરે જતી વખતે સ્ટેશન પરથી જ કરિયાણાની ખરીદી કરી શકશે.