04 November, 2026 09:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈના મેયર રીતુ તાવડેને મળ્યા
મુંબઈના ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને ઝૂ (જે `રાણી બાગ` તરીકે જાણીતું છે) ત્યાં ટૂંક સમયમાં એશિયાટિક સિંહો જોવા મળી શકે છે. મુંબઈ અને ગુજરાતના પ્રાણીસંગ્રહાલયો વચ્ચે પ્રાણીઓના પ્રસ્તાવિત ટ્રાન્સફરની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્દેશ આપ્યો છે. આ સમજૂતી કરાર હેઠળ, મુંબઈને એશિયાટિક સિંહોની બે જોડી (બે નર અને બે માદા) મળશે. આ નિર્ણય બુધવારે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુંબઈના મેયર રીતુ તાવડે વચ્ચે યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે. મેયરે મુંબઈના `રાણી બાગ`માં એશિયાટિક સિંહો લાવવાના પ્રસ્તાવ માટે મંજૂરી માગી હતી.
બેઠક બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને જરૂરી ઔપચારિકતાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે જૂનાગઢના સક્કરબાગ ઝૂલોજિકલ પાર્ક અને મુંબઈના `રાણી બાગ` વચ્ચે સમજૂતી કરાર (MoU) તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ને ગુજરાત સરકાર તરફથી ટૂંક સમયમાં સત્તાવાર મંજૂરી પત્ર અને MoUનો ડ્રાફ્ટ મળવાની અપેક્ષા છે. મેયર રીતુ તાવડેએ ગાંધીનગરમાં ગુજરાતના વન રાજ્યમંત્રી પ્રવીણકુમાર માલી સાથે પણ બેઠક પણ કરી હતી. તેમણે મંત્રીને વિનંતી કરી કે તેઓ વન વિભાગને સિંહોના ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવા માટે નિર્દેશ આપે. આ વિનંતી સ્વીકારીને, માલીએ વન વિભાગના અગ્ર સચિવને જરૂરી કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી હતી.
પ્રસ્તાવિત પ્રાણી ટ્રાન્સફર કરારના ભાગરૂપે, મુંબઈને ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂલોજિકલ પાર્કમાંથી એશિયાટિક સિંહોની બે જોડી મળશે. તેના બદલામાં, મુંબઈનું `રાણી બાગ` ગુજરાતના પ્રાણીસંગ્રહાલયને ટફ્ટેડ કૅપુચિન વાંદરાઓની ત્રણ જોડી આપશે. બન્ને પ્રાણીસંગ્રહાલયો આ ટ્રાન્સફર માટે સંમત થયા છે. BMCના જણાવ્યા અનુસાર, `રાણી બાગ`માં એશિયાટિક સિંહોને રાખવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ એક વિશેષ વાડો તૈયાર કરવામાં આવ્યો છે. તેનું નિર્માણ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA), નવી દિલ્હી દ્વારા મંજૂર કરાયેલ અંતિમ માસ્ટર લેઆઉટ પ્લાન મુજબ કરવામાં આવ્યું છે. BMCએ આ પ્રસ્તાવિત સ્થળાંતરને મુંબઈ માટે `દિવાળીની ભેટ` ગણાવ્યું છે અને તેનું શ્રેય મેયર રીતુ તાવડેના પ્રયાસોને આપ્યું છે.
દરમિયાન, સપ્ટેમ્બર મહિનામાં BMC કમિશનર અશ્વિની ભિડેએ રાણી બાગ (વીરમાતા જીજામાતા ઉદ્યાન) ખાતે ટનલ ઍક્વેરિયમનું બાંધકામ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે ત્યાં ચાલી રહેલા બાંધકામ અને અન્ય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે ઝૂની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન અધિક મ્યુનિસિપલ કમિશનર (પૂર્વીય ઉપનગરો) ડૉ. અવિનાશ ઢાકણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર (બગીચા વિભાગ) અજીતકુમાર અંબી, ઝૂ ડાયરેક્ટર ડૉ. સંજય ત્રિપાઠી અને ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ જીતેન્દ્ર પરદેશી સહિતના અનેક અધિકારીઓ હાજર હતા. અશ્વિની ભિડેએ ઝૂમાં આયોજિત જાસૂદના ફૂલોના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જેમાં વિવિધ રંગોના ફૂલો ધરાવતી જાસૂદની લગભગ ૫૦ જાતો પ્રદર્શિત કરવામાં આવી હતી.