09 September, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. હેમરાજ શાહ
ગુજરાતી તથા કચ્છ-વાગડ સમાજના અગ્રણી ડૉ. હેમરાજ શાહનું ગઈ કાલે ૮૫ વર્ષની વયે નિધન થયું હતું. તેમના પરિવારમાં બે પુત્રો અને તેમનો પરિવાર છે. મૂળ કચ્છ-વાગડના સામખિયાળીના ડૉ. હેમરાજ શાહનો જન્મ ૧૯૪૧ની બાવીસ માર્ચે થયો હતો. હાલ તેઓ પ્રભાદેવીમાં રહેતા હતા. તેમના નાના દીકરા અરવિંદ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના મોટા આંતરડામાં તકલીફ હતી. માહિમની હિન્દુજા હૉસ્પિટલમાં તેમનું ઑપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ૬ મહિનાથી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા ૧૬ દિવસથી તેમને ઘરમાં જ ઇન્ટેન્સિવ કૅર યુનિટ જેવી વ્યવસ્થા કરીને સારવાર આપવામાં આવી રહી હતી. ગઈ કાલે બપોરે ૨.૨૭ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હું અને મારી પત્ની ત્યારે ઘરે જ હતાં, જ્યારે મોટા ભાઈ ઉદય એ વખતે અહીં આવવા નીકળી ગયા હતા. એ લોકો રસ્તામાં હતા. ગઈ કાલે સાંજે શિવાજી પાર્ક ઇલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અમારો છેલ્લાં ૫૦ વર્ષ કરતાં વધુ સમયથી સ્ટેશનરી અને નોટબુક મૅન્યુફૅક્ચરિંગનો ફૅમિલી બિઝનેસ છે જે પહેલાં પપ્પા સંભાળતા હતા અને હવે મોટા ભાઈ સંભાળે છે. ડૅડી સામાજિક કાર્યો સાથે સંકળાયેલા હતા અને જર્નલિસ્ટ તરીકે છેલ્લે સુધી ઍક્ટિવ રહ્યા હતા.’
અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હેમરાજભાઈએ ૧૯૮૫માં બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજની સ્થાપના કરી હતી. તેઓ ૨૦૨૨ સુધી એના પ્રેસિડન્ટપદે રહ્યા હતા. એ પછી ૧૯૮૯માં તેમણે મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળની સ્થાપના કરી હતી અને ૧૯૯૬થી તેઓ વિશ્વ ગુજરાતી સમાજના વાઇસ-પ્રેસિડન્ટ રહ્યા હતા. તેમણે કચ્છ શક્તિ મૅગેઝિનની સ્થાપના કરી હતી અને ૪૫ વર્ષ સુધી એના ફાઉન્ડર પ્રેસિડન્ટ રહ્યા હતા. ૨૦૨૧માં કૅનેડાની બ્રૅમ્પટન ઇન્ટરનૅશનલ યુનિવર્સિટી તરફથી હ્યુમૅનિટી ઍન્ડ સોશ્યલ વર્ક માટે તેમને ડૉક્ટરેટની માનદ પદવી આપવામાં આવી હતી. એ સિવાય તેમના સોશ્યલ વર્કને લઈને અનેક સંસ્થાઓએ તેમને અવૉર્ડ્સ આપીને નવાજ્યા હતા.