16 October, 2025 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શિવડીમાં ધોળા દિવસે બે અજાણ્યા બાઇકસવારોએ બંદૂકની અણીએ જ્વેલરી શૉપના ડિલિવરી બૉય પાસેથી આશરે ૨.૨૯ કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા. રફી અહમદ કિડવાઈ (RAK) માર્ગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ કાલાચૌકીના રહેવાસી શામળભાઈ રબારી માસ્ટર ચેઇન ઍન્ડ જ્વેલ્સ માટે ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. આ જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગ ફર્મની ઑફિસ પાયધુનીમાં છે અને કાલાચૌકીમાં ફૅક્ટરી છે.
કેવી રીતે થઈ લૂંટ?
૧૩ ઑક્ટોબરે શિવડી-વેસ્ટમાંથી શામળભાઈ અને તેમના સહકર્મી હૉલમાર્ક માટે આપેલા ૨૦૬૭ ગ્રામ સોનાના દાગીના લઈને પાછા ફરી રહ્યા હતા. તેઓ શિવડી કોર્ટ નજીક ઝકરિયા બંદર રોડ પર પહોંચ્યા ત્યારે બાઇક પર બે અજાણ્યા માણસો તેમનો પીછો કરવા લાગ્યા. બે વાર આરોપીઓએ શામળભાઈની બાઇકની ટક્કર મારી હતી. જેવી શામળભાઈએ બાઇક રોકી કે તરત જ પાછળ બેઠેલા આરોપીએ પિસ્તોલ તાકી ધમકી આપીને દાગીના ભરેલી બૅગ છીનવી લીધી હતી અને પલાયન થઈ ગયા હતા. બૅગમાં આશરે ૨૦૬૭ ગ્રામ હૉલમાર્કવાળા સોનાના દાગીના હતા, જેની કિંમત લગભગ ૨.૨૯ કરોડ રૂપિયા જેટલી છે.