પચાસ હજાર કમાવાની લાલચમાં ગુજરાતીએ ગુમાવી દીધા પાંચ લાખ

21 January, 2022 09:15 AM IST  |  Mumbai | Mehul Jethva

દહિસરના જયેશ પટેલને તાજેતરમાં મિત્ર બનેલી એક વ્યક્તિએ કહ્યું કે તેની પાસે સાડાપાંચ લાખ રૂપિયાનું ચિલ્લર છે જેની સામે તેને પાંચ લાખ રૂપિયાની બે હજારની નોટ જોઈએ છે. એટલે કમાવાની લાલચમાં તે પૈસા લઈને ગયો, પણ લૂંટાઈ ગયો

પચાસ હજાર કમાવાની લાલચમાં ગુજરાતીએ ગુમાવી દીધા પાંચ લાખ

લોભિયાનો માલ ધુતારો ખાય એ કહેવત થાણેના ઘોડબંદર પાસે બનેલી ઘટનામાં સામે આવી છે. દહિસરમાં રહેતા એક ગુજરાતીને ત્રણ લોકોએ પાંચ લાખ રૂપિયાની મોટી નોટો સામે સાડાપાંચ લાખ રૂપિયાનું ચિલ્લર આપવાનો વાયદો કર્યો હતો. એ પછી પાંચ લાખ રૂપિયાની મોટી નોટો લઈ થાણેના માજીવાડા નજીક તેને બોલાવી તેની પાસેથી પાંચ લાખ રૂપિયા લઈને આરોપીઓ નાસી ગયા હતા. આ છેતરપિંડીની ફરિયાદ ચિતલસર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
દહિસરમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા ૪૫ વર્ષના જયેશ પટેલની મિત્રતા મુકેશ નામની વ્યક્તિ સાથે થઈ હતી. મુકેશે જયેશને કહ્યું હતું કે સુરત નજીક આવેલા એક મંદિરની દાનપેટીમાં જમા થયેલા સાડાપાંચ લાખ રૂપિયાના ચિલ્લર સામે પાંચ લાખ રૂપિયાની ૨૦૦૦ની અને ૫૦૦ રૂપિયાની નોટો જોઈએ છે. એકસાથે ૫૦,૦૦૦ રૂપિયા કમાવાની લાલચમાં જયેશ પોતાના ઓળખીતા પાસેથી અને પોતાની પાસે જમા કરેલા પાંચ લાખ રૂપિયા લઈને થાણેના માજીવાડા પેટ્રોલ-પમ્પ નજીક આવ્યો હતો જ્યાં આરોપીઓ ચિલ્લર લઈને આવવાના હતા. થોડી વાર રાહ જોયા પછી એક અર્ટિગા કાર ત્યાં આવી હતી. એમાંથી ત્રણ લોકો લાકડી લઈને બહાર આવ્યા હતા. તેમણે પોતાની પોલીસ તરીકે ઓળખ આપી હતી અને જયેશ પાસે પડેલા પાંચ લાખ રૂપિયા લઈને ત્યાંથી નાસી ગયા હતા. એ પછી જયેશે ચિતલસર પોલીસ સ્ટેશનમાં જઈને પૈસા લઈ જનાર ત્રણ પોલીસ વિશે પૂછતાં ત્યાં એવા કોઈ અધિકારીઓ પોલીસમાં ન હોવાની માહિતી મળતાં તેણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 
ચિતલસર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ સુરવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતીના આધારે એવું સામે આવી રહ્યું છે કે આરોપીઓએ પહેલેથી પ્લાન કરીને ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે વધારે તપાસ કરી રહ્યા છીએ.’

Mumbai mumbai news mehul jethva Crime News