SIR ફૉર્મમાં પપ્પાનું નામ સુધારવા ગયેલા બોરીવલીના ગુજરાતીએ ગુમાવ્યા ૩,૧૦,૫૦૦ રૂપિયા

02 September, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઠિયાએ માત્ર ૧૩ રૂપિયા ભરવાની ફિશિંગ લિન્ક મોકલીને ફોનનો ઍક્સેસ મેળવી લીધો

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી-વેસ્ટના સાંઈબાબાનગર વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝન પાસેથી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના ફૉર્મમાં પપ્પાના નામનો સુધારો કરવાના નામે ૩,૧૦,૫૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે સિનિયર સિટિઝને ગઈ કાલે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ૨૭ ઑગસ્ટે અજાણ્યા નંબર પરથી આવેલા ફોનમાં સામેની વ્યક્તિએ ચૂંટણીના ફૉર્મમાં પિતાના નામની ભૂલ હોવાનું કહીને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાના નામે એક બનાવટી લિન્ક મોકલી હતી અને સુધારા-ફી તરીકે માત્ર ૧૩ રૂપિયા ભરવા જણાવ્યું હતું. જોકે લિન્ક ઓપન કરીને પેમેન્ટ કરવાનો પ્રયાસ કરવા છતાં ટ્રાન્ઝૅક્શન નિષ્ફળ જતાં સાઇબર ગઠિયાએ વિશ્વાસ કેળવીને ફૉર્મ પોતે ભરી દેવાના બહાને વધુ વિગતો મેળવીને ફોનનો ઍક્સેસ મેળવી લીધો હતો અને ફરિયાદીના બૅન્ક-ખાતામાંથી વિવિધ ટ્રાન્ઝૅક્શનમાં ૩,૧૦,૫૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા. 

શું હતો ઘટનાક્રમ?
 બોરીવલીમાં રહેતા ૬૬ વર્ષના ફરિયાદીને ૨૭ ઑગસ્ટે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેથી બોલતી વ્યક્તિએ SIR ફૉર્મમાં પિતાના નામની ભૂલ સુધારવાના બહાને પ્રોસેસિંગ-ફી પેટે માત્ર ૧૩ રૂપિયા ભરવા જણાવ્યું હતું.
 તાજેતરમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા હોવાનું સમજીને ફરિયાદીએ ફોન કરનાર વ્યક્તિ પર વિશ્વાસ રાખ્યો હતો. ત્યાર બાદ સાઇબર ગઠિયાએ ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાના નામે વૉટ્સઍપ પર બનાવટી ફિશિંગ લિન્ક મોકલીને એના પર પેમેન્ટ કરવાનું કહ્યું હતું. એના પર ઑનલાઇન પેમેન્ટ નિષ્ફળ જતાં ગઠિયાએ ફૉર્મ ભરી આપવાની ખાતરી આપીને ફરિયાદી પાસેથી આધાર કાર્ડ, PAN કાર્ડ અને વોટર ID વૉટ્સઍપ પર મેળવી લીધાં હતાં.
 દસ્તાવેજો મેળવ્યા બાદ સાઇબર ભેજાબાજોએ ફરિયાદીના મોબાઇલ-નંબર પર ગેરકાયદે રીતે કૉલ ફૉર્વર્ડિંગ સક્રિય કરી દીધું હતું. ત્યાર બાદ ૨૮ ઑગસ્ટે ફરિયાદીના બૅન્ક-અકાઉન્ટનો ગેરકાયદે ઍક્સેસ મેળવી લીધો હતો.
 સોમવારે ફરિયાદીના પુત્રએ બૅન્ક-ખાતું ચકાસતાં ગેરકાયદે ઍક્સેસ જણાયો હતો. સાંઈબાબાનગરસ્થિત બૅન્કમાં જઈને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે સાઇબર ગઠિયાએ ખાતામાંથી ૩,૧૦,૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.
 ફરિયાદીએ બૅન્ક કસ્ટમર કૅરમાં કૉલ કરી અકાઉન્ટ બ્લૉક કરાવ્યું હતું. આ ઘટના સંદર્ભે ફરિયાદીએ બોરીવલી 
પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

mumbai news mumbai borivali gujaratis of mumbai gujarati community news Crime News cyber crime mumbai police special intensive revision sir