07 November, 2025 08:20 AM IST | Mumbai | Rohit Parikh
મુંબઈ ડિવિઝનના રેલવે-મૅનેજરને મુંબઈ સેન્ટ્રલ મળવા ગયેલા કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શાહ અને શૈલેશ ગોગરીના બે પુત્રો અને શૈલેશ ગોગરી
દાદરની હિન્દમાતાના કાપડના ૫૭ વર્ષના કચ્છી વેપારી શૈલેશ ગોગરીને ૨૮ ઑક્ટોબરે બાંદરા ટર્મિનસ પર અચાનક હેલ્થ-પ્રૉબ્લેમ થયો હતો. તેમને સ્ટેશન પર જ સમયસર મેડિકલ-ટ્રીટમેન્ટ ન મળતાં તેમ જ સ્ટેશન પર ઊભેલી ઍમ્બ્યુલન્સમાં પણ ડૉક્ટર કે ઑક્સિજન જેવી કોઈ સુવિધા ન હોવાથી તેઓ લીલાવતી હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. શૈલેશભાઈની જેમ અન્ય કોઈ રેલવે-પ્રવાસીનું આ રીતે મૃત્યુ ન થાય એ માટે ગઈ કાલે શૈલેશ ગોગરીના બે પુત્રો અને કચ્છ પ્રવાસી સંઘના સક્રિય કાર્યકર નીલેશ શાહે મુંબઈ ડિવિઝનના રેલવે-મૅનેજરની મુલાકાત લઈને તેમને રેલવે-સ્ટેશનો પર ૧૦૮ નંબરની ઍમ્બ્યુલન્સની જેમ ડૉક્ટર અને અન્ય સુવિધાઓ સાથેની ઍમ્બ્યુલન્સ અને મેડિકલ-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરી હતી.
આ બાબતની માહિતી આપતાં માટુંગાના રહેવાસી શૈલેશભાઈના મોટા પુત્ર મહેકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગયા મંગળવારે એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા કચ્છ-ભુજ જઈ રહ્યા હતા. બપોરે બાર વાગ્યે બાંદરા સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી પપ્પા ફિટ ઍન્ડ ફાઇન હતા. અમારી ટ્રેન પોણા એક વાગ્યાની હતી. પપ્પા પ્લૅટફૉર્મ નંબર બે પર ફોન પર વાતચીત કરતા ચાલી રહ્યા હતા. અમે તેમની સાથે જ ચાલતા હતા. અચાનક પપ્પાને અનઈઝી ફીલ થતાં તેઓ ચક્કર ખાઈને નીચે પડવાના જ હતા એ પહેલાં મેં તેમને ઊંચકી લીધા હતા. એક પણ પળનો સમય બગાડ્યા વગર અમે તેમને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં લઈ જવા માટે સ્ટેશનની બહાર ઊભેલી ઍમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. જોકે અમારા આશ્ચર્ય વચ્ચે ઍમ્બ્યુલન્સમાં કોઈ ડૉક્ટર કે અન્ય કોઈ સુવિધા નહોતી. આવી કટોકટીમાં પપ્પાને કઈ હૉસ્પિટલમાં લઈ જવા એની પણ ડ્રાઇવરને ખબર નહોતી. એને લીધે અમે લીલાવતી હૉસ્પિટલમાં પાંચ મિનિટમાં પહોંચવાને બદલે પંદર મિનિટે પહોંચ્યા હતા. રસ્તામાં જ પપ્પાએ તેમનો દેહ છોડી દીધો હતો.’
પપ્પા જ્યારે સ્ટેશન પર પડી ગયા ત્યારે જ જો સ્ટેશન પર મેડિકલ-ટ્રીટમેન્ટ મળી હોત તો કદાચ અમારે પપ્પાને ગુમાવવા ન પડ્યા હોત એમ જણાવતાં મૂળ કચ્છ-ટુંડાના મહેકે કહ્યું હતું કે ‘પહેલાં તો સ્ટેશન પર જ પપ્પાને પ્રાથમિક ટ્રીટમેન્ટ મળે એવી સુવિધા હોવી જોઈતી હતી. ત્યાર બાદ સારી ઍમ્બ્યુલન્સ હોવી પણ એટલી જ જરૂરી છે. ડ્રાઇવર અનુભવી નહોતો, દરેક સિગ્નલ પર ઍમ્બ્યુલન્સ ઊભી રહેતી. ઍમ્બ્યુલન્સમાં ન સાયરન હતું કે ન તો એનો હૉર્ન ચાલતો હતો. અમે બે ભાઈઓ પપ્પાને જરૂરી મસાજ (CPR) આપતાં હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ અમે પપ્પાને બચાવી શક્યા નહોતા.’
રેલવેની બેદરકારીને કારણે એક પરિવારે છત્ર ગુમાવ્યું હતું. આ બાબતની ગોગરી પરિવારના બે પુત્રો મહેક અને પરમ તરફથી અમારી સંસ્થાને જાણ કરવામાં આવી હતી એમ જણાવતાં કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમની ફરિયાદ મળતાં જ આવી ઘટના બીજા કોઈ પ્રવાસી સાથે ન થવી જોઈએ એ ભાવના સાથે અમે ગઈ કાલે વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે-મૅનેજર પંકજ સિંહને મુંબઈ સેન્ટ્રલ જઈને મળ્યા હતા. તેમણે શૈલેશભાઈના મૃત્યુ માટે શોક પ્રગટ કરતાં આખા બનાવની ગંભીર નોંધ લીધી હતી. તેમણે આ બાબતની તપાસ કરવાની ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને સૂચના આપી હતી તેમ જ આખા ડિવિઝનમાં પ્રાથમિક સારવાર માટેની સુવિધાઓ હોવી જ જોઈએ એવા નિર્દેશ આપ્યા હતા એટલું જ નહીં, અમારી વિનંતીને માન આપીને તેમણે દરેક સ્ટેશન પર કટોકટીના સમયે હાર્ટ-અટૅકમાં સારવાર આપવા માટે ઑટોમેટેડ ઇલેક્ટ્રૉનિક ડિફિબ્રિલેટર મશીન હોવું જરૂરી છે, એ વિશે ઘટતું કરવાની બાંયધરી આપી હતી. તેમણે રેલવેપ્રવાસીઓને માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે આવી કટોકટીના સમયે પ્રવાસીના પરિવારે કે અન્ય સાથીઓએ ૧૦૮ નંબરની ઍમ્બ્યુલન્સનો સંપર્ક કરવો જેથી અસરગ્રસ્ત દરદીને તરત જ ટ્રીટમેન્ટ મળી શકે.’