28 October, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેશન્ટે આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને જ્યારે ખબર પડી કે મારી ડેન્ટલ કૅપ મારા જમણા ફેફસામાં ગઈ છે ત્યારે મને જરા પણ ખ્યાલ નહોતો આવ્યો`
દિવાળીના દિવસો દરમ્યાન ચેમ્બુરના એક ગુજરાતી સિનિયર સિટિઝન સાથે ડેન્ટલ ટ્રીટમેન્ટ વખતે વિચિત્ર અને અસામાન્ય બનાવ બની ગયો હતો. આ સિનિયર સિટિઝનના દાંતની સારવાર દરમ્યાન અચાનક દાંત પર લગાવવામાં આવતી કૅપ સરકીને તેમની શ્વાસનળીમાં જતી રહી હતી. આ કૅપ તેમની શ્વાસનળીમાં ફસાઈ જતાં દોડાદોડી થઈ ગઈ હતી. જોકે નજીકની એક હૉસ્પિટલના ઇન્ટરવેન્શનલ પલ્મનોલૉજિસ્ટ અને ચેસ્ટ મેડિસિન સ્પેશ્યલિસ્ટે ઇમર્જન્સીમાં ટ્રીટમેન્ટ કરીને ફક્ત ૧૦ મિનિટમાં જ કૅપ બહાર કાઢીને સિનિયર સિટિઝનનો જીવ બચાવી
લીધો હતો.
ચેમ્બુરના એક સિનિયર સિટિઝન તહેવારોમાં બપોરના ૧૨ વાગ્યાની આસપાસ એક સાદી ડેન્ટલ કૅપનું ફિટિંગ કરાવવા માટે તેમના ડેન્ટિસ્ટ પાસે ગયા હતા. આ એક નિયમિત પ્રક્રિયા હતી. જોકે અચાનક આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે દાંતની કૅપ લપસીને શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. એને કારણે સામાન્ય પ્રક્રિયા અણધારી રીતે જીવલેણ કટોકટીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. લોકલ ઍનેસ્થેસિયાથી તેમનું ગળું સુન્ન થઈ ગયું હોવાથી તેમણે તાત્કાલિક કોઈ તકલીફ અનુભવી નહોતી. સિનિયર સિટિઝનને નાની ધાતુની કૅપ તેમની શ્વાસનળીમાં ઊંડે સુધી ઘૂસી ગઈ છે એનો ખ્યાલ જ આવ્યો નહોતો. જોકે થોડી વાર પછી તેઓ અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા. ત્યારે CT સ્કૅન કરવાથી આ વિચિત્ર બનાવની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. CT સ્કૅનમાં ખબર પડી કે ડેન્ટલ કૅપ તેમની જમણી મુખ્ય શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. આ પ્રક્રિયામાં ૩ કલાકનો સમય વીતી ગયો હતો એટલે તેમને શ્વાસોશ્વાસમાં તકલીફ પડી શકે એવી પૂરેપૂરી શક્યતા હતી.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પેશન્ટના ડેન્ટિસ્ટ તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં નિષ્ણાતોની એક ટીમે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો જેથી પરિસ્થિતિ ગંભીર કટોકટીમાં ફેરવાઈ ન શકે. સિનિયર સિટિઝન હૉસ્પિટલમાં પહોંચ્યા પછી ડૉક્ટરની ટીમે તાત્કાલિક બ્રૉન્કોસ્કોપી માટે તૈયારી કરી હતી જેથી કૅપને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.
હૉસ્પિટલના ડૉક્ટરે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તાત્કાલિક ઍનેસ્થેટિસ્ટ અને એન્ડોસ્કોપી ટેક્નિશ્યન સહિતની અમારી ટીમને એકઠી કરી હતી. માઇલ્ડ દવા અને લોકલ ઍનેસ્થેસિયા આપીને ફ્લેક્સિબલ બ્રૉન્કોસ્કોપ એટલે કે એક પાતળી નળી સાથેના કૅમેરાને દરદીની શ્વાસનળીમાં કાળજીપૂર્વક દાખલ કરવામાં આવ્યો હતો. એનાથી દાંતની કૅપનું સીધું વિઝ્યુઅલાઇઝેશન શક્ય બન્યું હતું. ત્યાર પછી અમે એન્ડોસ્કોપિક ફોર્સેપ્સની મદદથી કોઈ પણ સર્જરી વગર ૧૦ મિનિટથી ઓછા સમયમાં મેટલિક ડેન્ટલ કૅપને સફળતાપૂર્વક અને સલામતીપૂર્વક દૂર કરી હતી. લન્ગ્સમાં કૅપને લીધે કોઈ ઈજા ન થવાથી અને ઇન્ફેક્શન પણ ન લાગ્યું હોવાથી પેશન્ટ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો હતો અને તેને બીજા દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આખા બનાવમાં સમયસરની ટ્રીટમેન્ટ અતિ મહત્ત્વની બની હતી. અદ્યતન એન્ડોસ્કોપિક અને પલ્મનરી કૅર ટેક્નૉલૉજીથી સજ્જ હોવાથી પેશન્ટને બચાવવામાં અમને સફળતા મળી હતી. ક્યારેક આવા બનાવમાં લાંબા સમય સુધી કૅપ લન્ગ્સમાં ફસાયેલી રહેવાથી ઇન્ફેક્શન કે ન્યુમોનિયા થવાની શક્યતા રહેલી છે.’
પેશન્ટે આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને જ્યારે ખબર પડી કે મારી ડેન્ટલ કૅપ મારા જમણા ફેફસામાં ગઈ છે ત્યારે મને જરા પણ ખ્યાલ નહોતો આવ્યો. જેવી બેચેની લાગવા લાગી એટલે તરત મારા ડેન્ટિસ્ટે પહેલાં તેમની રીતે બધી જ કોશિશ કરી હતી. પછી મને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંના ડૉક્ટરોએ મને આ બાબતની જાણકારી આપી અને ડેન્ટલ કૅપ કાઢવા માટે એટલી ઝડપથી પ્રક્રિયા કરી કે મને કોઈ પણ જાતનો દુખાવો થયો નહોતો. હું ડૉક્ટરોની ટીમનો તેમની કુશળતા અને સંભાળ માટે ખૂબ આભારી છું. હું હવે સંપૂર્ણપણે સ્વસ્થ છું.’