23 January, 2026 06:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી 2026 ના પરિણામો (BMC Elections 2026 Result) ગયા અઠવાડિયે જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં મરાઠી વિરુદ્ધ અમરાઠીના મુદ્દા પર પણ વોટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઠાકરે બંધુઓને થોડી સફળતા પણ મળી હોવાનું દેખાય છે. જોકે મુંબઈમાં હજી પણ મરાઠી ભાષા વિવાદ શરૂ જ છે, એવું ચિત્ર જોવા મળી રહ્યું રહ્યું છે. કારણ કે ફરી એક વખત મનસે કાર્યકરો દ્વારા ગુજરાતી વ્યક્તિને માર મારવાની ઘટના બની હતી, જોકે આ પુરુષ પર મહિલાને ધમકી આપવાનો આરોપો છે, જેના આધારે તેને પાઠ ભણાવવા માટે આવું કરવામાં આવ્યું હોવાનો દાવો પણ મનસેના કાર્યકરોએ કર્યો છે.
એવું લાગે છે કે મુંબઈમાં ચૂંટણીઓ પૂર્ણ થયા પછી પણ મરાઠી ભાષા મુદ્દો ઠંડો પડવાનો નથી. મુંબઈના બોરીવલીમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ મરાઠી મહિલાના અધિકારો માટે એક ગુજરાતી પુરુષને માર માર્યો હતો. દાવો છે કે આરોપી પુરુષે મહિલા સાથે ગેરવર્તન થયું હતું. તેમ જ કાર્યકરોએ આ મહિલાના હાથે પણ પુરુષને માર ખવડાવ્યો હતો. માર મારવાનો એક વીડિયો હવે સામે આવ્યો છે.
હુમલા બાદ, MNS ના કિરણ નકાશે અને વિજય પાટીલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. MNSના એક નેતાએ જણાવ્યું હતું કે પોલીસે MNS ના કિરણ નકાશે અને વિજય પાટીલ વિરુદ્ધ મરાઠી લોકોનો પક્ષ લેવા બદલ કેસ નોંધ્યો છે. મનસેએ આરોપ કર્યો છે કે બોરીવલી એક્સર વિસ્તારમાં રહેતી એક સ્થાનિક મહિલા, વૈશાલી મ્હાત્રેને એક અમરાઠી મહિલા દરજી દ્વારા અભદ્ર ભાષામાં ધમકી આપવામાં આવી રહી હતી. લાંબા સમય સુધી સમજવાનો પ્રયાસ કર્યા પછી પણ સમજ ન પડતાં, મહિલા મનસેના ઑફિસમાં મદદ માટે ગઈ. જે મહિલા સાથે અન્યાય થયો તેના હાથે જ આ ગુજરાતી દરજીની ધોલાઈ કરવામાં આવી છે. આ કેસમાં, MNS ના કિરણ નકાશે અને વિજય પાટીલ વિરુદ્ધ MHB પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના ઉમેદવાર મરાઠી બહુમતીવાળા વિસ્તારોમાં જીત્યા હતા, જ્યારે ભાજપ અને એકનાથ શિંદેને ઉપનગરોમાં મોટી સફળતા મળી હતી. મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મરાઠી ભાષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મરાઠીના મુદ્દા પર યોજાનારી આ છેલ્લી ચૂંટણી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના-મનસેએ મરાઠી લોકોને તેમના અસ્તિત્વ, અધિકારો અને હક માટે મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. શિવરી, વરલી, દાદર, પ્રભાદેવી, ભાંડુપ, વિક્રોલીના મરાઠી પટ્ટામાં તેમને સારો પ્રતિસાદ મળ્યો.