14 September, 2025 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં મૃત્યુ પામનારાં અમિતા દોશી
મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરના કોણાર્ક ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતાં ૬૬ વર્ષનાં અમિતા દોશીને ગુરુવારે બપોરે મુલુંડ પાંચ રસ્તા નજીક બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસે અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે જખમી થયાં હતાં. તેમને ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ બ્રેઇન-હૅમરેજ થયું હોવાથી ગઈ કાલે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે મુલુંડ પોલીસે BESTના બસ-ડ્રાઇવર વિકાસ ભોસલે સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમિતાબહેનના મૃત્યુ બાદ તેમને જીવતા રાખવા પરિવારે તેમની બન્ને આંખો, બન્ને કિડની અને ત્વચાનું અંગદાન કર્યું હતું. આ અંગદાન બાદ પાંચ વ્યક્તિઓને નવું જીવન અને નવી દૃષ્ટિ મળ્યાં છે.
મમ્મી પ્રો-ઍક્ટિવ હતાં, તેઓ પોતાની કાળજી યોગ્ય રીતે રાખતાં હતાં, બીજાને હંમેશાં મદદરૂપ થવું એવો તેમનો સ્વભાવ રહ્યો હતો એમ જણાવતાં અમિતાબહેનના પુત્ર ભાવિક દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીને કમરમાં ઝીણો દુખાવો હોવાથી ગુરુવારે પપ્પા રાજકુમાર સાથે તેઓ વર્ધમાનનગર નજીક ડૉક્ટર રાજેશ પલણના ક્લિનિકમાં દવા લેવા માટે ગયાં હતાં. ત્યાંથી પપ્પા ઑફિસે ચાલ્યા ગયા હતા અને મમ્મી ચાલતાં ઘરે આવવા માટે નીકળ્યાં હતાં. પાંચ રસ્તા નજીક પહોંચતાં સ્વસ્તિક મેડિકલ નજીક દેવીદયાલ રોડ પરથી આવતી BESTની એક બસે મમ્મીને સામેની બાજુથી જોરદાર ટક્કર મારી હતી જેના કારણે તેઓ રોડ પર જ ઢળી પડ્યાં હતાં. એ સમયે બસ-ડ્રાઇવર બસને સાઇડમાં પાર્ક કરી મારી મમ્મીને રિક્ષામાં બેસાડીને નજીકની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાર બાદ હૉસ્પિટલમાં હાજર પોલીસ-અધિકારીઓએ અમારો સંપર્ક કરતાં અમે પણ હૉસ્પિટલ પહોંચ્યા હતા. હૉસ્પિટલમાં ઇલાજ માટે જરૂરી સામગ્રીની અછત હોવાનું ધ્યાનમાં આવતાં અમે તેમને તાત્કાલિક ફોર્ટિસ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યાં હતાં. ઇલાજ સમયે તેમના માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાની માહિતી ડૉક્ટરે આપી હતી. જોકે
બ્રેઇન-હૅમરેજ થયું હોવાને કારણે ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. શનિવારે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.’
ભાવિક દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને બ્રેઇન-હૅમરેજ થયું હોવાની માહિતી અમને ડૉક્ટરે આપ્યા બાદ અમે મોટા ડૉક્ટરને તેમના રિપોર્ટ બતાડી કઈ રીતે તેઓ સાજા થશે એની માહિતી લીધી હતી. જોકે તમામ ડૉક્ટરોએ આગળ કંઈ જ કરવું શક્ય ન હોવાની જાણકારી અમને આપતાં મે અને મારા પરિવારે સાથે મળીને મમ્મીને મર્યા પછી પણ જીવતાં રાખવા અંગદાનનો નિર્ણય લીધો હતો. ગઈ કાલે તેમની ત્વચા, બન્ને કિડની અને બન્ને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. અંગદાન પછી મમ્મી પાંચ લોકોમાં જીવતાં રહ્યાં છે.’
પોલીસે શું કર્યું?
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માહિતીના આધારે જે સ્થળે અકસ્માત થયો એ જગ્યાના CCTV કૅમેરાનાં ફુટેજ અમે મગાવ્યાં છે. પ્રાથમિક તપાસમાં અમે BESTની બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને તેને તાબામાં લીધો છે. તેનું મેડિકલ કરવામાં આવ્યું છે, પણ રિપોર્ટ આવવાનો બાકી છે. આ કેસમાં વધારે તપાસ કરવામાં આવી રહી છે.’