14 October, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમરાવતી-મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી મલબાર હિલના રિજ રોડ વિસ્તારમાં રહેતાં ૬૫ વર્ષનાં સીમા મહેતાનું ૨.૪૬ લાખ રૂપિયાની મતા ભરેલું પર્સ ચોરાયું હોવાની ફરિયાદ ગઈ કાલે કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં નોંધાઈ છે. સીમાબહેન અકોલાથી મુંબઈ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે ચોરીનો આ બનાવ બન્યો હતો. પ્રાથમિક માહિતીના આધારે GRP લોકલ પોલીસ સહિત કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
કલ્યાણ GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાત્રે અકોલાથી કોચ A1માં સીટ-નંબર 25 પર મુસાફરી કરી રહેલાં સીમાબહેન પોતાનું લાલ રંગનું પર્સ માથા પાસે મૂકીને સૂઈ ગયાં હતાં. દરમ્યાન ગઈ કાલે વહેલી સવારે ૪.૩૦થી ૫.૩૦ વાગ્યાના સમયગાળા વચ્ચે ખડવલી અને કલ્યાણ રેલવે-સ્ટેશન દરમ્યાન કોઈ અજ્ઞાત ચોરે તેમની ઊંઘનો લાભ ઉઠાવીને પર્સ ચોરી લીધું હતું. ચોરાયેલા પર્સમાં ૯૫,૦૦૦ રૂપિયાનો આઇફોન, ૧.૧૫ લાખ રૂપિયાની રોકડ રકમ તેમ જ અમેરિકાના પોલો બ્રૅન્ડના પર્સ સહિતનો મુદ્દામાલ હતો. આ ઉપરાંત પર્સમાં રાખેલા વૉલેટમાંથી ફરિયાદી તેમ જ તેમની પુત્રવધૂ અને પૌત્રીનાં મહત્ત્વનાં સરકારી ઓળખપત્રો, ક્રેડિટ કાર્ડ અને કારની ચાવીઓ પણ ચોરાઈ ગયાં છે. કલ્યાણ સ્ટેશનથી ટ્રેન ઊપડતાં જ જાગી ગયેલાં સીમાબહેને સીટ નીચે અને આસપાસ તપાસ કરી હતી, પરંતુ પર્સ ન મળી આવતાં ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી. ખડવલી અને કલ્યાણ વચ્ચેના રેલવે-ટ્રૅક તથા સ્ટેશનોના CCTV કૅમેરાનાં ફુટેજના આધારે તસ્કરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.’