પેવર બ્લૉક્સને લીધે ગુજરાતી મહિલાનો પગ થયો છે ફ્રૅક્ચર

14 May, 2022 08:16 AM IST  |  Mumbai | Mehul Jethva

બેદરકારીપૂર્વક કરેલા કામને કારણે પેવર બ્લૉક્સ ઉપર-નીચે અને લેવલમાં ન હોવાથી બૅલૅન્સ ગુમાવતાં પડી ગયાં : ફ્રૅક્ચર આવતાં એક મહિનો બેડ પર

મુલુંડની ફુટપાથ પર પડી જવાને લીધે ફાલ્ગુનીબહેન ઠક્કરને ફ્રૅકચર આવ્યું છે.

મુલુંડમાં રહેતાં ગુજરાતી મહિલા ફાલ્ગુની ઠક્કર ફુટપાથ પરથી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે બીએમસીએ બેદરકારીપૂર્વક કરેલા કામને કારણે તેઓ પડી ગયા હતા. એને કારણે તેમને એક પગમાં ફ્રૅક્ચર થયું હતું. જે ફુટપાથ પર અકસ્માત થયો હતો ત્યાં આ પહેલાં પણ અનેક આવા બનાવ બન્યા હોવા છતાં બીએમસીએે આ બાબત પર કોઈ ધ્યાન આપ્યું નહોતું જેને કારણે આ અકસ્માત થયો હતો. બીએમસીના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે આ સંદર્ભે ધ્યાન આપીને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
મુલુંડ-વેસ્ટમાં ગણેશ ગાવડે રોડ પર સાંઈશ્રદ્ધા સોસાયટીમાં રહેતાં ફાલ્ગુની ઠક્કર કાલિદાસ કૉમ્પ્લેક્સની બહાર ફ્રેશ જૂસનો વ્યવસાય કરે છે. મંગળવારે સવારે દસ વાગે તેઓ ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે કાલિદાસના મેઇન ગેટની સામેની ફુટપાથ પરથી પસાર થતાં હતાં. એના પેવર બ્લૉક ઉપર-નીચે અને એક લેવલમાં ન હોવાથી તેમનું બૅલૅન્સ જતાં તેઓ પડી ગયાં હતાં. એકાએક નીચે પડવાથી શરીરનું વજન પગ પર આવ્યું હતું. ત્યાર પછી તેમણે ડૉક્ટર પાસે જઈ પગનો એક્સ-રે કઢાવતાં ફ્રૅક્ચર થયું હોવાની જાણ થઈ હતી. ફાલ્ગુનીબહેનના ઘરમાં માત્ર તેઓ એક જ મહિલા છે અને રસોઈથી લઈને દરેક ચીજનો ભાર તેમના પર હોય છે એટલે પગમાં ફ્રૅક્ચર આવવાને કારણે હાલમાં તેઓ ભારે મુસીબતમાં મુકાઈ ગયાં છે.
ફાલ્ગુની ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સાધારણ પરિવારની છું અને મારા ઘરમાં એકલી જ બધાં કામ કરવાવાળી છું. આ અકસ્માતને કારણે મારે અને મારા પરિવારના સભ્યોએ એક મહિના પરેશાની સુધી ભોગવવી પડશે.’
ફાલ્ગુનીબહેનના પતિ અમિત ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીની બેદરકારીને કારણે આ ઘટના બની છે. અહીં આખી ફુટપાથ પર આવું કામ થયેલું હોવાને કારણે કેટલાક અકસ્માત અમારી સામે થતા જોયા છે. અનેક ઍક્ટિવિસ્ટોએ આ સંદર્ભે બીએમસીને ફરિયાદ પણ કરી છે. હું બીએમસી પાસે આ કાર્ય બરોબર કરવાની માગણી કરીશ, જેથી અમારી સાથે બની એવી ઘટના બીજા કોઈ સાથે બને નહીં.’
મુલુંડના ‘ટી’ વૉર્ડના વૉર્ડ ઑફિસર ચક્રપાણી અલ્લેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે આ ફુટપાથ બાબતે કોઈ ફરિયાદ આવી નથી કે નથી મને આવા અકસ્માત સંદર્ભે કોઈ માહિતી મળી. જો આવી ઘટના બની છે તો એના પર અમે વિશેષ ધ્યાન આપીશું અને યોગ્ય કાર્યવાહી પણ કરીશું.’

Mumbai mumbai news mehul jethva