27 August, 2025 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
MIDC પોલીસે કાર્તિક શાહની ધરપકડ કરી હતી.
અંધેરીના સોના અને ડાયમન્ડના બે વેપારીઓને ચંદુકાકા સરાફ નામના જ્વેલરી સ્ટોરના નામે દાગીનાનો ઑર્ડર આપવાના બહાને આશરે ૩૧.૫૮ લાખ રૂપિયાના દાગીના પડાવી લેનારા ૩૨ વર્ષના કાર્તિક શાહની MIDC પોલીસે બોરીવલીના દૌલતનગરમાંથી ધરપકડ કરી હતી. વર્ષો પહેલાં દાગીનાના વ્યવસાય સાથે જોડાયેલા કાર્તિકને દાગીનાના વેપારીઓ વિશેની ચોક્કસ માહિતી હતી. દરમ્યાન તેણે ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI)માંથી બોલતો હોવાનું કહી ચંદુકાકા સરાફને ફોન કરી વાતોમાં ભોળવીને તેમનું ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું સર્ટિફિકેટ મેળવી લીધું હતું. એ સર્ટિફિકેટના આધારે તેણે મુંબઈના વેપારીઓને ટાર્ગેટ કર્યા હોવાનો દાવો પોલીસે કર્યો છે. પોલીસે કાર્તિક પાસેથી છેતરપિંડી કરીને પડાવેલી તમામ માલમતા કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.
શું હતી ઘટના?
MIDC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર વાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંધેરી-ઈસ્ટમાં દાગીના તૈયાર કરવાનો વ્યવસાય કરતી કલિસ્તા જ્વેલ્સ અને મણિ જ્વેલ્સ નામની કંપનીના ગૂગલ પરથી નંબર મેળવીને આરોપીએ એમને ફોન કરીને પોતાની ઓળખ ચંદુકાકા સરાફના માલિક સમ્યક શાહના નામે આપી હતી. એની સાથે પુણેમાં બે નવા શોરૂમનું ઉદ્ઘાટન થતું હોવાનું કહીને તૈયાર દાગીનાની જરૂર હોવાનું જણાવ્યું હતું. દાગીનાના વ્યવસાયમાં ચંદુકાકા સરાફનું નામ મોટું હોવાની સાથે એનું પેમેન્ટ-શેડ્યુલ પણ સારું હોવાની માહિતી બન્ને વેપારીઓને હતી. દરમ્યાન ફોન કરનાર યુવકે વેપારીઓને વધારે વિશ્વાસ બેસે એ માટે ચંદુકાકા સરાફનું GST સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું જેના પર વિશ્વાસ કરીને બન્ને વેપારીઓએ આશરે ૩૧.૫૮ લાખ રૂપિયાના દાગીના ફોન કરનાર યુવાનને કુરિયર દ્વારા મોકલ્યા હતા. જોકે ત્યાર બાદ ફોન કરનાર યુવકનો નંબર બંધ આવતાં છેતરપિંડી થઈ હોવાની ખાતરી થવાથી આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી.’
આરોપી કઈ રીતે પકડાયો?
MIDC પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર યશવંત પાલવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધાવાથી પ્રાથમિક અમને એવી શંકા હતી કે ચંદુકાકા સરાફ સાથે જોડાયેલા કોઈ યુવાને અથવા ચંદુકાકા સરાફમાંથી છૂટી થયેલી કોઈ વ્યક્તિએ આ ઘટનાને અંજામ દીધો હશે. એટલે અમે ચંદુકાકા સરાફના સ્ટાફ સાથે પણ વાત કરી હતી. જોકે એ બાબતે તપાસ કરતાં અમને કોઈ મળ્યું નહોતું. ત્યાર બાદ ફોન કરનાર વ્યક્તિના નંબર સાથે તેણે કયા વિસ્તારમાંથી ફોન કર્યો હતો એની ટેક્નિકલ તપાસ કરતાં આરોપી બોરીવલી વિસ્તારનો હોવાની માહિતી મળી હતી. આરોપીના ઘરનું ઍડ્રેસ પણ અમને મળ્યું હતું, પણ ત્યાં જઈને તપાસ કરતાં એ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું હોવાની માહિતી મળી હતી. અંતે ગુપ્ત સૂત્રોની મદદ લઈને અમે આરોપી સુધી પહોંચ્યા હતા. આરોપી પાસેથી દાગીનાની રિકવરી કરવામાં આવી છે. આરોપીનાં લગ્ન નથી થયાં. તે તેના ભાઈ સાથે બોરીવલી વિસ્તારમાં રહે છે.’