હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

28 November, 2021 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલી હંસા હેરિટેજ બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૮૯ વર્ષનાં રંજન પારેખ અને ૬૪ વર્ષનાં તેમનાં પુત્રવધૂ નીતા પારેખનાં મોત થયાં હતાં. એ કેસમાં ફાયર બ્રિગેડે આપેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે આગ વખતે ઇમારતની જે ફાયર ફાઇટિંગ સિસ્ટમ ચાલુ રહેવી જોઈએ એ રહી નહોતી. સ્પ્રિન્કલર્સ પણ ચાલ્યાં નહોતાં અને ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવાથી પમ્પમાંથી પાણી મળી શક્યું નહોતું. આગ લાગી ત્યારે વાપરવામાં આવતી જનરેટરની ઑલ્ટરનેટ સિસ્ટમનો અભાવ હતો. એથી કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એ ઇમારતના બિલ્ડર શ્રી રઘુવંશી ડેવલપર્સના હોદ્દેદારો ત્રિભુવનદાસ રુઘાણી, રશ્મિન રુઘાણી અને પિનાકિન રુઘાણ‌ી અને આર્કિટેક્ટ સંજય શાહ સામે ફરિયાદ નોંધાઈ હતી. એ સાથે જ સોસાયટીએ કેમ આ બાબતે ધ્યાન ન આપ્યું અને બેદરકારી દાખવી એમ કહી એની જૂની કમિટીના ચૅરમૅન અને સેક્રેટરી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. એથી બિલ્ડરે દિંડોશી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. જોકે હવે સોસાયટીના હોદ્દેદારોએ પણ આગોતરા જામીનની અરજી કરી છે. કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.  

Mumbai mumbai news