શું મુંબઈમાં હજી વૅક્સિનનો પહેલો ડોઝ બધાને નથી મળ્યો?

01 December, 2021 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈએ નવેમ્બરમાં સો ટકા રસીકરણની જાહેરાત કરી, પણ ગયા મહિને અઢી લાખથી વધારે લોકોએ પહેલો ડોઝ લીધો

શનિવારે નાયર હૉસ્પિટલમાં રસી લઈ રહેલો યુવાન. આશિષ રાજે

જો રસીના બે ડોઝ વચ્ચેનો ગાળો ઘટાડવામાં ન આવ્યો તો મુંબઈમાં કોરોનાવિરોધી રસીકરણ ફેબ્રુઆરી પહેલાં પૂર્ણ નહીં થાય, કારણ કે નવેમ્બરમાં પાંચ લાખ લોકોએ પહેલો ડોઝ લીધો છે.
રાજ્ય સરકારને મુંબઈમાં ૯૨.૩૬ લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણનું લક્ષ્ય ૧૩ નવેમ્બરે હાંસલ થયું હોવાની જાહેરાત કરી હોવા છતાં હજી પણ લોકો પહેલો ડોઝ લેવા આવી રહ્યા છે. ૧૩ અને ૨૯ નવેમ્બરની વચ્ચે ૨.૬૧ લાખ લોકોએ પહેલો ડોઝ લીધો હતો. કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ૮૪ દિવસના ગાળાને જોતાં તેમણે બીજા ડોઝ માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.
બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ ‘અમે કેન્દ્ર સરકારને પત્ર પાઠવીને બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડવા વિનંતી કરી છે. જો તેઓ પરવાનગી આપશે તો અમે જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીમાં બીજો ડોઝ આપવાની કામગીરી પૂરી કરીશું.’
ઑમિક્રૉન વેરિઅન્ટના તોળાઈ રહેલા ભયની વચ્ચે બીએમસી શહેરને શક્ય એટલી ઝડપે રસીકરણથી સુરક્ષિત કરવા ઇચ્છે છે, પણ બે ડોઝ વચ્ચેનો ગાળો મોટો અંતરાય છે. રસીનો પુરવઠો હવે નિયમિત થઈ ગયો છે, પણ બે ડોઝ વચ્ચેના અંતર વિશે કેન્દ્રીય માર્ગદર્શિકાને કારણે અમે બીજો ડોઝ આપી શકતા નથી, એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.

Mumbai mumbai news