18 May, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં પડતો વરસાદ. તસવીર: સતેજ શિંદે
એક બાજુ ભારે ગરમીને કારણે મુંબઈગરા હેરાન થઈ રહ્યા છે ત્યારે છૂટોછવાયો વરસાદ પડતાં બફારામાં વધારો થતાં પરસેવાથી રેબઝેબ પણ થઈ રહ્યા છે. હવે એમાંથી રાહત મળે એવા સંજોગો ઊભા થયા છે. મોસમમાં પલટો આવી રહ્યો છે અને આવતી કાલથી આખું અઠવાડિયું મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) સહિત કોંકણ અને મરાઠવાડામાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે અને કડાકાભડાકા સાથે વરસાદ પડી શકે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે પણ વરસાદ પડી શકે એમ કહેવામાં આવ્યું છે. ગઈ કાલે સવારે મુંબઈના દહિસર, કાંદિવલી, ગોરેગામ, પવઈ, બાંદરા, મુંબઈ સેન્ટ્રલ સહિત મોટા ભાગના વિસ્તારોમાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.
હવામાન ખાતાએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કોંકણના કિનારાને લાગીને ૧.૫ કિલોમીટર ઉપર સુધી હાલ હવાના દબાણનો પટ્ટો સર્જાયો છે જેના કારણે ૨૧ મે સુધીમાં કર્ણાટકના દરિયામાં ચક્રવાત સર્જાશે. એ પહેલાં જે પરિસ્થિતિઓ આકાર લેશે એના પરિણામસ્વરૂપ જોરદાર પવન સાથે કડાકાભડાકા સાથે વરસાદ પડે એવી શક્યતા છે. એથી હવામાન ખાતાએ આવનારા પાંચ દિવસોમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કર્યું છે.