હાઇવે પર હાલહવાલ

11 August, 2022 09:37 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈ-અમદાવાદ હાઇવે પરના ખાડા લોકો માટે બન્યા ત્રાસરૂપ : વરસાદમાં પડેલા ખાડા અને રક્ષાબંધન નિમિત્તે બહારગામ જવા નીકળી પડેલા લોકોને લીધે ગઈ કાલે ટ્રાફિક જૅમ જોવા મળ્યો : લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા : ટ્રાફિક વિભાગે વધુ સ્ટાફ તહેનાત કરવો પડ્યો

નૅશનલ હાઇવે પર થયેલા ટ્રાફિક જૅમને કારણે ઘણા લોકો હેરાન થયા, ઘણા લોકોએ ફ્લાઇટ મિસ કરી હતી

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરથી ગઈ કાલે પસાર થવું અતિશય અઘરું બની ગયું હતું. ગઈ કાલે વહેલી સવારથી જ એટલો ટ્રાફિક હતો કે વિરારથી વહેલી સવારે નીકળનારા લોકો ફ્લાઇટ ચૂકી ગયા હતા, જ્યારે પોતાનાં વાહનોમાં કામે જતા લોકો અડધેથી પાછા વળ્યા હતા અને ટ્રેન પકડીને જવા માટે મજબૂર થયા હતા. ઘણા લોકો તો અધવચ્ચે કલાકો ટ્રાફિક જૅમમાં ફસાઈ ગયા હતા. આ ટ્રાફિક જૅમને દૂર કરવા માટે ટ્રાફિક વિભાગે વધારાનો સ્ટાફ તહેનાત કરવો પડ્યો હતો. એમ છતાં ટ્રાફિક અને રસ્તામાંના ખાડાએ લોકોના ખરાબ હાલ ગઈ કાલે કર્યા હતા. ટ્રાફિક વિભાગના અધિકારીઓ પણ ટ્રાફિક જૅમને ક્લિયર કરવા સવારથી કસરત કરતા જોવા મળ્યા હતા.

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર મુંબઈ, થાણે, વસઈ-વિરાર, મીરા-ભાઈંદર, ગુજરાત એમ બધી બાજુથી ટ્રાફિક આવતો હોય છે. તહેવારોમાં લોકો સંબંધીઓના ઘરે જતા હોવાથી રસ્તા પર વાહનોની સંખ્યામાં બમણો વધારો થઈ જતો હોય છે. જોકે આ વખતે હાઇવેના રસ્તા પર ખાડાનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે લોકો ગઈ કાલે કલાકો સુધી ટ્રાફિક જૅમમાં ફસાઈ ગયા હતા. એને ઓછો કરતાં ટ્રાફિક પોલીસના નાકે પણ દમ આવી ગયો હતો.  

ફ્લાઇટ મિસ થઈ ગઈ
વરસાદ અને ખાડાના ત્રાસનો અંદાજ હોવાથી મારી પત્ની સવારે ૭.૨૦ વાગ્યે જ વિરારથી નીકળી ગઈ હતી એમ જણાવીને ખાડા અને ટ્રાફિક જૅમને કારણે ફ્લાઇટ મિસ કરનાર મીનાબહેનના પતિ જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તાજેતરમાં પોરબંદર ગયા હતા ત્યારે સવારની ફ્લાઇટ પકડવા રાતના જ ઍરપોર્ટની પાસે આવેલી એક હોટેલમાં રોકાઈ ગયા હતા, પરંતુ આ વખતે મારી પત્નીએ તેના પિયર તાત્કાલિક જવાનું હોવાથી તે રાતે હોટેલમાં રોકાઈ શકે એમ નહોતું. એથી ગઈ કાલે સવારે ૧૧.૧૦ની ફ્લાઇટ પકડવા માટે ખાડા અને ટ્રાફિકને લીધે સવારે ૭.૨૦ વાગ્યે જ અમે વિરારથી નીકળી ગયા હતા. સવારે વરસાદ નહોતો એટલે અમને એમ કે જલદી પહોંચી જવાશે, પરંતુ ભારે ટ્રાફિક જૅમને કારણે કાર ગોકળગાયની ગતિએ આગળ વધી રહી હતી. ડ્રાઇવરે ટ્રાફિક જૅમમાંથી જલદી નીકળીને ફ્લાઇટ પકડવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ કાર ૧૦થી ૨૦ કિલોમીટરની સ્પીડે જઈ રહી હતી. અંતે અંધેરી પહોંચતાં જ સવાઅગિયાર થઈ ગયા હતા અને અમે ફ્લાઇટ ચૂકી ગયા હતા. સામાન સાથે હોવાથી ટ્રેનમાં જવું પણ શક્ય નહોતું. સિનિયર સિટિઝન હોવાથી સાડાત્રણથી ચાર કલાક કારમાં બેસવું પણ મુશ્કેલરૂપ બની ગયું હતું. ત્યાર બાદ નાછૂટકે સાંજની ફ્લાઇટ પકડવા અડધો દિવસ ઍરપોર્ટ પર બેસી રહેવું પડ્યું હતું. ટ્રાફિક જૅમ અને કલાકોના પ્રવાસને કારણે થયેલી શારીરિક અને માનસિક હેરાનગતિ કદી ભુલાશે નહીં.’

હાઇવે પરથી રિટર્ન ગયા
વિરારથી બોરીવલી જવા સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ નીકળેલા સ્વપ્નિલ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે કાર લઈને નીકળ્યા હતા અને પહેલાં ગોરેગામ અને ત્યાર બાદ બોરીવલીમાં કામ હોવાથી જવાના હતા. બે-ત્રણ જગ્યાએ જવું હોવાથી કાર લઈને જવા સિવાય બીજો વિકલ્પ નહોતો. જોકે હાઇવે પર પહોંચ્યા તો ટ્રાફિક જોવા મળ્યો હતો. આગળ જઈશું તો એ ક્લિયર થશે એ વિચારે અમે આગળ જતા રહ્યા હતા, પરંતુ લાંબી લાઇનનો કોઈ પાર નહોતો. એટલે અમારે નાલાસોપારા-વસઈની વચ્ચેથી જ પાછા આવવું પડ્યું હતું. જોકે એમાં પણ ઘણો સમય લાગી ગયો હતો.’

કલાકો ટ્રાફિકમાં અટવાયા 
નાલાસોપારાથી બાંદરા જઈ રહેલા અમિત વૈદ્યે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે નીકળ્યો હતો. ટ્રાફિકને કારણે ફોર-વ્હીલર એકદમ સ્લો ગતિએ જઈ રહ્યું હતું. રસ્તા પરના ખાડાને કારણે ખાસ કરીને ભાઈંદર બ્રિજની આસપાસ વાહનોની મૂવમેન્ટ એકદમ ધીમી પડી જાય છે. હું બાર વાગ્યે નીકળ્યો ત્યારે અંધેરી સાડાત્રણ વાગ્યે પહોંચ્યો હતો. ટ્રાફિક જૅમને કારણે કલાકો અટવાઈ રહેતાં જે કામે બાંદરા જવું હતું ત્યાં પણ ખૂબ મોડો પહોંચ્યો હતો.’

રિટર્નમાં પણ ભીડ
સવારના મુંબઈ જતા અને સાંજે વિરાર આવતા હાઇવે જૅમ હતો એમ જણાવીને કમલેશ વાઘેલાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજના પણ વિરાર બાજુએ આવતાં ટ્રાફિક મળ્યો હતો. વાહનો ખૂબ ધીમી ગતિએ મૂવમેન્ટ કરી રહ્યાં હતાં.’

થાણે રોડ પર પણ ભીડ
ભાઈંદરમાં રહેતા સમીર શાહે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે બોરીવલી અને મલાડથી વસઈની ફૅક્ટરીમાં આવતાં વેપારીઓના નાકે દમ આવી ગયો હતો. અમુક લોકો તો વચ્ચેથી જ પાછા જતા રહ્યા હતા. અમને એવું લાગ્યું કે આવો ટ્રાફિક સાંજે હશે તો ઘરે પહોંચતાં ખરાબ હાલત થઈ જશે. હું ગઈ કાલે ભાઈંદરથી થાણે ગયો હતો. થાણેથી ભાઈંદર સાંજે સાડાપાંચ વાગ્યે આવી રહ્યો હતો ત્યારે ખૂબ ટ્રાફિક હતો અને બમણા સમયે ભાઈંદર પહોંચ્યો હતો.’


ટ્રાફિક વિભાગનું શું કહેવું છે?
ગઈ કાલે થયેલા ટ્રાફિક જૅમ વિશે માહિતી આપતાં ટ્રાફિક વિભાગના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ ભામેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વરસાદને કારણે રસ્તા પર ખાડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. વરસાદ બંધ થતાં ખાડા ભરીએ તો પણ એ પાછા હતા એવા થઈ જાય છે. રસ્તાના ખાડાને કારણે ટ્રાફિક જૅમ થવાની સાથે રક્ષાબંધન હોવાથી લોકો બહારગામ એની ઉજવણી કરવા જઈ રહ્યા છે. એકસાથે રજાઓ પણ આવી હોવાથી લોકો ટ્રિપ માટે પણ નીકળી ગયા હોવાથી વાહનોની સંખ્યામાં બમણો વધારો થઈ ગયો હતો. નૅશનલ હાઇવે ઑથોરિટીને ખાડા વિશે અનેક વખત જાણ કરવા છતાં યોગ્ય પગલાં લેવાતાં નથી. ટ્રાફિક જૅમને દૂર કરવા માટે વધુ સ્ટાફ પણ તહેનાત કરવામાં આવ્યો હતો.’

ટ્રાફિક જૅમ દૂર કરવા પોલીસની કસરત
ટ્રાફિક જૅમ દૂર કરવા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર, ચાર પીએસઆઇ અને ૨૫થી વધુ પોલીસનો સ્ટાફ ગઈ કાલે સવારથી તહેનાત કરવામાં આવ્યો હતો.

mumbai mumbai news western express highway preeti khuman-thakur