31 March, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
થાણે જિલ્લાના કો-ઑપરેટિવ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે ડેવલપમેન્ટ પ્લાનનો લેઆઉટ અધૂરો હોવાનું જણાવીને થાણેની ચાર હાઉસિંગ સોસાયટીને ડીમ્ડ કન્વેયન્સ આપવાની ના પાડી દીધી હતી. આથી આ સોસાયટીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બૉમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં આપેલા આદેશમાં જણાવ્યું હતું કે હાઉસિંગ સોસાયટીઓને ડેવલપમેન્ટનો લેઆઉટ અધૂરો હોવાનું કારણ આપીને ડીમ્ડ કન્વેયન્સ નકારી ન શકાય.
ઉલ્લેખનીય છે કે થાણેની ચાર હાઉસિંગ સોસાયટીએ ગયા વર્ષે ૨૮ માર્ચે મહારાષ્ટ્ર ઓનરશિપ ફ્લૅટ્સ ઍક્ટ અંતર્ગત થાણેની ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફિસમાં ડીમ્ડ કન્વેયન્સ મેળવવા માટે અરજી કરી હતી. સબ-રજિસ્ટ્રાર ઑફિસે સોસાયટીઓને ડીમ્ડ કન્વેયન્સ મેળવવાની અરજી નકારી કાઢી હતી. હાઈ કોર્ટમાં સોસાયટીઓની અરજીની ૨૦ માર્ચની સુનાવણીમાં બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ સંદીપ માર્નેએ કહ્યું હતું કે ‘લેઆઉટ મુજબ બિલ્ડિંગના બાંધકામ બાદ ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા બાદ અને હાઉસિંગ સોસાયટી બની ગયા બાદ ફ્લૅટના માલિકો ડીમ્ડ કન્વેયન્સ મેળવવા માટે અરજી કરી શકે છે. બિલ્ડિંગનું બાંધકામ લેઆઉટ પ્રમાણે જ કરવામાં આવ્યું હોય છે. એને આધારે જ ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. આથી ડીમ્ડ કન્વેયન્સ મેળવવા માટે લેઆઉટનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. આથી સબ-રજિસ્ટ્રારનો સોસાયટીઓને ડીમ્ડ કન્વેયન્સ ન આપવાનો નિર્ણય યોગ્ય નથી.