24 December, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB)ની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘ઍર પૉલ્યુશનને કન્ટ્રોલમાં રાખવા માટેનાં પગલાંઓનું કડક પાલન કરાવવામાં તમે નિષ્ફળ ગયા છો.’
મુંબઈમાં સતત બગડી રહેલા ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) પર ચિંતા વ્યક્ત કરતી અરજીઓ પર ગઈ કાલે સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
હાઈ કોર્ટની બેન્ચે એવું પણ કહ્યું હતું કે ‘કોર્ટ શહેરમાં ડેવલપમેન્ટ કે કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટીઝની વિરુદ્ધમાં નથી, પણ ઍર પોલ્યુશન રોકવા માટેનાં ધોરણોનું કડક પાલન કરવાની માગ કરી રહી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે અને પછી તમારા કન્ટ્રોલમાં કંઈ નહીં રહે.’
BMC કમિશનર ભૂષણ ગગરાણી અને MPCB સેક્રેટરી દેવેન્દ્ર સિંહ પણ ગઈ કાલે બેન્ચ સામે હાજર રહ્યા હતા. કોર્ટે કન્સ્ટ્રક્શન્સ સાઇટ્સના કામદારોએ કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે એની પણ નોંધ લીધી હતી અને MPCBને નિર્દેશ આપ્યા હતા કે કામદારોને માસ્ક પૂરું પાડે. ઉપરાંત ડેવલપર્સ માટે કામદારોની હેલ્થ સંબંધિત ઍડ્વાઇઝરી ઇશ્યુ કરે.
BMCના વકીલે એવું કહ્યું હતું કે ‘કૉર્પોરેશને ગાઇડલાઇનનું પાલન ન કરવા માટે 433 શો-કોઝ નોટિસ અને 148 સ્ટૉપ-વર્ક નોટિસ ઇશ્યુ કરી છે.’