22 February, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રદૂષણ ઓછું કરવા રાજ્યની બેકરીઓમાં લાકડાં અને કોલસાનો ઉપયોગ બંધ કરવાના હાઈ કોર્ટે આપેલા આદેશને પગલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને બેકરીઓને નોટિસો મોકલવાનું શરૂ કર્યું છે ત્યારે ઇન્ડિયા બેકર્સ અસોસિએશનનું કહેવું છે કે ‘ઇલેક્ટ્રિક ભઠ્ઠી બેસાડવી બહુ કૉસ્ટ્લી છે. બીજું LPG જોખમી છે. વળી રોજના લાખો મુંબઈગરાઓ વડાપાંઉ, સમોસાપાંઉ કે પછી પાંઉભાજી ખાઈને પેટ ભરે છે. વડાપાંઉની રેકડીઓ પર પાંઉની સપ્લાય આ બેકરીઓ જ કરે છે. જો એ અટકી જશે તો લાખો લોકોએ હેરાનગતિ ભોગવવી પડશે. અનેક લોકોનું ગુજરાન વડાપાંઉ પર ચાલતું હોવાથી બેકરી અને વર્ષો જૂના જમાનાની ઓળખ સમી ઈરાની કૅફેને એમાંથી બાકાત રાખવામાં આવે.’
મુંબઈની ઘણી બેકરીઓ ૫૦ વર્ષ જૂની છે, જ્યારે કેટલીક તો ૧૦૦ વર્ષ જૂની છે અને આ જ બેકરીઓ મુંબઈની હોટેલો, રેસ્ટોરાં તથા વડાપાંઉ અને પાંઉભાજીની લારી પર પાંઉ સપ્લાય કરે છે. ઇન્ડિયા બેકર્સ અસોસિએશનનું કહેવું છે કે ‘લાકડાંની ભઠ્ઠી બંધ કરીને ઇલેક્ટ્રિક ભઠ્ઠી બેસાડવી પરવડે એમ નથી. એ સિવાય ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં આટલી મોટી સંખ્યામાં પાંઉ કે અન્ય બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન ન થઈ શકે. બીજો વિકલ્પ લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નો છે. દરેક બેકરીમાં રોજનાં ઓછામાં ઓછાં ૧૦ ગૅસ-સિલિન્ડર જોઈશે. એથી એટલા મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો પણ જોખમી છે, કારણ કે અમારી મોટા ભાગની બેકરીઓ રેસિડેન્શિયલ વિસ્તારમાં આવેલી છે. જો અકસ્માત થાય તો મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થવાની ભીતિ છે. હાલ પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)નું નેટવર્ક એટલું વિસ્તરેલું નથી. અમારે એના પર બેકરી ચલાવવા માટે ઘણા ફેરફાર કરવા પડે અને એનો લાખો રૂપિયાનો ખર્ચ થાય એમ છે તેમ જ એ ફેરફાર કરવામાં પણ થોડો સમય લાગશે. સરકાર અમને એ માટે આર્થિક સહાય પૂરી પાડે. BMC આ બધી જ બાબતોને સમજી-વિચારીને નિર્ણય લે એ જરૂરી છે.’ BMCએ ૮ જુલાઈ પછી બેકરીઓને કોલસા અને લાકડાં વાપરવા પર પ્રતિબંધ મૂકતો નિર્દેશ બહાર પાડ્યો છે.