06 March, 2026 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
ઍરપોર્ટ નજીક તોડી પાડવામાં આવેલા કામચલાઉ શેડના સ્થળે નમાજ પઢવા માગતા ટૅક્સી અને રિક્ષાચાલકોને હાઈ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ધર્મ કરતાં સુરક્ષા વધુ મહત્ત્વ ધરાવે છે.
જસ્ટિસ બી. પી. કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની બેન્ચે નોંધ્યું હતું કે ‘રમઝાન ઇસ્લામનો અભિન્ન ભાગ છે, પરંતુ રમઝાન દરમ્યાન કોઈ પણ જગ્યાએ નમાજ પઢવાનો ધાર્મિક અધિકાર હોવાનો દાવો ન કરી શકાય. ખાસ કરીને એવા ઍરપોર્ટની નજીક જ્યાં સુરક્ષાની ચિંતા વધુ હોય. કાલે તમે કહેશો કે તમે ઓવલ મેદાનની વચ્ચે ઊભા રહીને નમાજ પઢવા માગો છો તો એ શક્ય નથી.’
ટૅક્સી-રિક્ષા ઓલા-ઉબર મેન્સ યુનિયન દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે મુંબઈ ઍરપોર્ટની આસપાસ એક કામચલાઉ શેડ હતો જ્યાં તેઓ નમાજ પઢતા હતા અને એ ગયા વર્ષે અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. આ અરજીમાં માગણી કરવામાં આવી હતી કે તેમને એ જ જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે અથવા એ જ વિસ્તારમાં બીજી જગ્યા ફાળવવામાં આવે જ્યાં તેઓ નમાજ પઢી શકે.
ગુરુવારે અધિકારીઓએ ૭ સ્થળોના સર્વે બાદ એક રિપોર્ટ રજૂ કર્યો હતો; પરંતુ ભીડ, સુરક્ષા અને ઍરપોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે કોઈ પણ જગ્યા ફાળવવાયોગ્ય નહોતી મળી. તેથી કોર્ટે કહ્યું કે એક કિલોમીટરની અંદર એક મદરેસા છે જ્યાં તેઓ નમાજ અદા કરી શકે છે.